AHAVADANGGUJARAT

ડાંગથી ગુંજ્યો ગૌસન્માનનો અવાજ:-ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આવેદન..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે એક વિશાળ જનજાગૃતિ અને રજૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાષ્ટ્રપતિ ,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સંત શિરોમણી પી.પી. સ્વામીજી, પૂજ્ય સાધ્વી હેતલ દીદી, સાધ્વી યશોદા દીદી સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌપ્રેમીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આવેદનપત્રમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે અગાઉ ગુરુવાર, 7 મે, 2026ના રોજ રાજ્યભરના તમામ તાલુકાઓમાંથી ગૌસન્માન અર્થે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તે અંગે કોઈ અસરકારક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી, જૂની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક પગલાં ભરવા ફરી એકવાર આગ્રહભરી માંગ કરવામાં આવી છે.આ રજૂઆતમાં ગુજરાતમાં વેદલક્ષણ સ્વદેશી ગાયોને વિશેષ સુરક્ષા આપવા, ગાયને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલવા તેમજ ગાય આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા યોગ્ય નીતિગત નિર્ણયો લેવા અપીલ કરાઈ છે.આ ગૌસન્માન અભિયાનને વ્યાપક જનસમર્થન સાંપડ્યુ છે, જેના ભાગરૂપે 15 હજારથી વધુ ગૌભક્તોના હસ્તાક્ષર ધરાવતા કુલ 559 પૃષ્ઠોના સમર્થન દસ્તાવેજો સરકારને સોંપવામાં આવ્યા છે.પર્યાવરણના જતન અને કાગળ બચાવવાના ઉમદા હેતુથી આ તમામ દસ્તાવેજોની સોફ્ટ કોપી પેન ડ્રાઇવ થકી કલેક્ટરને સુપરત કરવામાં આવી છે, તેમજ જરૂર પડ્યે મૂળ હાર્ડ કોપી પુરાવા તરીકે રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. અંતમાં, ગૌપ્રેમીઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે સરકાર ગૌમાતાના સન્માન અને સંરક્ષણ બાબતે સંવેદનશીલતા દાખવી ઝડપી નિર્ણય લેશે અને દેશભરના ગૌભક્તોની ભાવનાઓનું સન્માન કરશે..

Back to top button
error: Content is protected !!