વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૧૦ જુલાઈ : આવતીકાલે શુક્રવારે કચ્છ જિલ્લામાં ભાજપ પરિવાર દ્વારા 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વય વંદના યોજના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય કાર્ડ બનાવવાના કેમ્પ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાઈ રહ્યા છે. જોકે, આયોજન અને અમલીકરણની પદ્ધતિ પર અનેક સવાલો ઉભા થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત શનિવાર, સોમવાર અને મંગળવારે પણ આવા જ કેમ્પો દરેક વોર્ડ અને ગામોમાં યોજાયા હતા. પરંતુ ખરાબ રસ્તાઓ અને પ્રતિકૂળ વાતાવરણને કારણે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો કેમ્પ સ્થળો સુધી પહોંચી શક્યા નહોતા. સૂત્રોના જણાવ્યા મુજબ, અડધાથી વધુ કેમ્પોમાં એક પણ લાભાર્થી ઉપસ્થિત નહોતો.
આ બાબતની જાણ જિલ્લાના વડાઓને થતાં ભાજપના ગ્રામ્ય કક્ષાના કાર્યકરો પર દબાણ વધ્યું હતું. પરિણામે, માત્ર કાર્યકર્તાનો હોદ્દો ધરાવતા ભાજપના સ્થાનિક નેતાઓ આરોગ્ય કર્મચારીઓ પર રોફ જમાવીને રીતસરનો ખુલાસો પૂછીને કામગીરીનો રીવ્યુ લેવા મંડી પડ્યા હતા. આ એ જ આરોગ્ય કર્મચારીઓ છે જેઓ છેલ્લા 15 દિવસથી જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અન્વયે ઘરે ઘરે જઈને દરરોજ હજારોની સંખ્યામાં કાર્ડ બનાવી રહ્યા છે.
હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, આ મહેનતુ કર્મચારીઓને આવતીકાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ બેસાડી રાખવાથી શું 70 વર્ષથી ઉપરના લોકો કાર્ડ બનાવવા આવશે? શું આનાથી કામગીરીમાં કોઈ વાસ્તવિક સુધારો થશે? કે પછી માત્ર ફોટા પડાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે?
વધુ નવાઈની વાત તો એ છે કે, કાર્ડ બનાવ્યા બાદ બપોર પછી બનાવેલા કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક આશા બહેનો પર બે વર્ષ અગાઉ વિતરણ કરાયેલા કાર્ડ લોકો પાસેથી મેળવીને તેમને પણ સાથે લઈ આવવા માટે દબાણ કરવામાં આવી રહ્યાના સમાચાર છે. આ કેવો નવો ચીલો છે કે બે વર્ષ પહેલાં બનેલા કાર્ડને લાભાર્થીઓને સાથે લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફોટો પડાવવા માટે કાર્યક્રમમાં હજારોનો ખર્ચ કરે છે, પરંતુ તાજેતરમાં નવા બનેલા કાર્ડની પ્રિન્ટ કઢાવીને આપવામાં તેમને શરમ આવે છે?
ખરેખર તો સરકારે સમયસર આયુષ્યમાન આરોગ્ય કાર્ડ લોકોને આપી દેવા જોઈએ. તાજેતરમાં કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ ફેસબુકના માધ્યમથી કોઈપણ વ્યક્તિ પોતાના એન્ડ્રોઇડ મોબાઈલમાં કેવી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે તેની વિગતવાર સમજણ આપતી પોસ્ટ મૂકી હતી. જો આને અનુસરીને ભાજપના કાર્યકરો પોતાના મોબાઈલમાં કેમ્પમાં કાર્ડ બનાવે તો આરોગ્યના કર્મચારીઓ ઘરે ઘરે જઈને કાર્ડ બનાવવાની કામગીરી ચાલુ રાખી શકે, જેથી કામગીરીમાં સુધારો થાય અને કચ્છમાં બનાવવાના થતા દસ લાખથી વધુ કાર્ડ સમયસર બની જાય.
જો આરોગ્ય કર્મચારીઓ કાર્ડ બનાવવામાં જ રોકાયેલા રહેશે તો વરસાદ બાદ રોગચાળો ફેલાશે ત્યારે લોકોની સારવાર કોણ કરશે? આ એક મોટો પ્રશ્ન છે. લોકોની અપેક્ષા છે કે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે અને સસ્તી પ્રસિદ્ધિને બદલે વાસ્તવિક જનસેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.(તા.ક. : જે વર્તમાન પત્રોને આ બાબતની જાહેર ખબર મળી હશે તેઓ આ પ્રેસનોટ પ્રસિદ્ધ નહીં કરે તો દુઃખ નહીં થાય. બાકી કચ્છના મિત્રો અને બેધડક સાચી વાત લખનારાઓ માટે હંમેશા માન છે.)