મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ અને ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા

મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” તથા “ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”ભવ્ય શુભારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના સપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવો દ્વારા ભારત માતાને પુષ્પાંજલિ અર્પણ કરી અને “નવું ભારત @150” ગીતના સ્વરો સાથે થયો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “મિશન ફોર મિલિયન ટ્રીઝ” કોફી ટેબલ બુકનું અનાવરણ કરી વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્ટોલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ કેનવાસ પર સહી કરી ગુજરાતમાં અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ -2030 માટે તૈયાર છે, તેને ગૌરવ પૂર્ણ ક્ષણ ગણાવી હતી.
આ પ્રસંગે ભારતીય-અમેરિકન લેખક શ્રી જય પટેલે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તેમનું પ્રથમ પુસ્તક “બેરિસ્ટર મિસ્ટર પટેલ” પ્રકાશિત કર્યું છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વાર્તાકાર અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યા બાદ તેમણે ઇનોવેશન પેવિલિયન અંતર્ગત રિસાયકલ ગ્રીન સ્ટોલ, IOTA Diagnostic Pvt. Ltd. ના સ્ટોલની, WeHear અને KeenKey LLP જેવા ઉદ્યોગોના સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તૈયાર કરવામાં આવેલા ચિલ્ડ્રન પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025” અંતર્ગત તૈયાર કરવામાં આવેલા સ્પિરિચુઅલ પેવેલિયન ખાતે સંતો-મહંતોની મુલાકાત લઈ પ્રસાદ ગ્રહણ કરી સ્વાદ અને સંસ્કૃતિના સંગમરૂપે વૈવિધ્યસભર ખાદ્ય પરંપરાને પણ વધાવી હતી.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન, અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સામાજિક અને ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા અને મંત્રીશ્રી રિવાબા જાડેજા, રાજ્ય સભાના સાંસદ શ્રી નરહરિ અમીન, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ શહેરના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રી રજનીકાંત પટેલ, અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાંગા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ક્રિએશન કલ્ચર એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન શ્રી જયેશ ત્રિવેદી, નેશનલ બુક ટ્રસ્ટ ભારતના અધ્યક્ષ શ્રી પ્રોફેસર મિલિંદ સુધાકર, નેશનલ બુક ભારતના નિયામક શ્રી યુવરાજ મલિક, સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G)ના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી મનીષ બહેટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો, સાહિત્યકારો અને મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ રહ્યા હતા.





