અમદાવાદ જિલ્લામાં ‘બેગલેસ ડે’ની ઉત્સાહી ઉજવણી: શાળાઓમાં શીખવવાની નવી શૈલીનો અનોખો પ્રયત્ન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા શનિવારના દિવસે પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ ઉજવવાનો નિર્ણય કરાયા પછી, અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં તેનું પ્રથમ આયોજન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને શાળા વધુ આનંદદાયી અને સર્જનાત્મક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાળાઓમાં વિદ્યાર્થીઓને વિના પાઠ્યપુસ્તકો શાળા લાવ્યા બાદ, શિક્ષકો અને તાલીમાધિકારીઓ દ્વારા ઘડાયેલ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. મુખ્ય હેતુ શૈક્ષણિક દબાણ ઘટાડીને શીખવાને વધુ રસપ્રદ અને અનુભૂતિસભર બનાવવાનો હતો.
તાલુકા અને જિલ્લાની વિવિધ શાળાઓમાં યોગાસન, માસ ડ્રિલ, સંગીત, બાળસભા, શૈક્ષણિક રમતો, ચિત્રકામ, પ્રોજેક્ટ્સ અને સ્થાનિક સ્થળોની મુલાકાત જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ શાળાની આજુબાજુના ઐતિહાસિક સ્થળો, તળાવો, ટપાલ કચેરીઓ, આરોગ્ય કેન્દ્રો, બેંકો, પોલીસ સ્ટેશનો અને દુધ મંડળીઓની મુલાકાત લઈ જીંદગીની હકીકતોને અનુભવી.
યોગ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓને શારીરિક સુખાકારી અને ધ્યાન કેન્દ્રિત કરવાની ટેવ સમજાવવામાં આવી, જ્યારે બાળસભા દ્વારા લોકસંસ્કૃતિ, વાર્તાકથન અને અભિનયથી વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ કૌશલ્ય વિકસાવવામાં આવ્યું. સંગીત અને ચિત્રકામ દ્વારા તેમને પોતાની અંદરની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની તક મળી.
શૈક્ષણિક રમતો અને પ્રોજેક્ટ આધારિત કાર્ય દ્વારા વિષયોની પ્રાયોગિક સમજ વધારવા પ્રયાસ કરાયો. વિદ્યાર્થીઓએ ગણિતના કોષ્ટકો રમતોમાં રમતાં રમતાં શીખ્યા અને વિજ્ઞાનના સરળ પ્રયોગોથી ચમત્કારિક સંવેદનાનો અનુભવ કર્યો.
જિલ્લાના તમામ શિક્ષકો, આચાર્યો, BRC, CRC અને તાલીમાધિકારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા મળેલા માર્ગદર્શનમાં દરેક શાળાએ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓના આનંદમય પ્રતિસાદથી આ પહેલ સફળ સાબિત થઈ.
વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વિશે જણાવતા કહ્યું કે શાળા આજે રમત અને શીખવાની જગ્યા લાગતી હતી, જ્યાં પુસ્તકો વગર પણ બહુ કંઈક શીખી શકાય છે. કેટલાકે તો કહ્યું કે આવી શાળાની કલ્પના તેઓએ ક્યારેય ન કરી હતી.
શિક્ષણવિભાગના અનુમાન અનુસાર આવી નવીન પહેલો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ અભિગમ શિક્ષણ ક્ષેત્રે એક નવતર પદ્ધતિરૂપ સાબિત થશે, જે આવનારા સમયમાં શાળાને માત્ર શીખવાની જગ્યા નહીં પરંતુ જીવવાની જગ્યા બનાવશે.