AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસ માટે બે દિવસીય પ્રાદેશિક નીતિ સંવાદનો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ ખાતે ‘અનલોકિંગ વેલ્યૂ: એડવાન્સિંગ ફૂડ પ્રોસેસિંગ ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ સસ્ટેનેબલ ગ્રોથ ઇન સાઉથ એશિયા’ વિષય પર બે દિવસીય ઉચ્ચસ્તરીય પ્રાદેશિક નીતિ સંવાદનો ભવ્ય પ્રારંભ થયો હતો. ભારત સરકારના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય, ગુજરાત સરકાર અને વર્લ્ડ બેંક ગ્રૂપના SAPLING પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં દેશ-વિદેશના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગકારો, સંશોધકો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે ભારત આજે વૈશ્વિક ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આધુનિક ટેક્નોલોજી, મૂલ્યવર્ધન, મજબૂત સપ્લાય ચેઇન અને નવીનતા આધારિત અભિગમના કારણે ભારત વૈશ્વિક ફૂડ વેલ્યૂ ચેઇનમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર માત્ર કૃષિ ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ ખેડૂતોની આવક વધારવા, પાક પછીના નુકસાનમાં ઘટાડો કરવા, ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે પણ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત સરકાર દ્વારા આ ક્ષેત્રમાં કરવામાં આવેલા રોકાણ અને નીતિગત સુધારાઓના કારણે દેશનું કૃષિ અર્થતંત્ર વધુ મજબૂત બની રહ્યું છે.

પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાત કૃષિ, કૃષિ આધારિત ઉદ્યોગો અને સહકારી ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. અમૂલ જેવા સફળ સહકારી મોડેલે ખેડૂતોને સશક્ત બનાવવામાં અને તેમની આવકમાં વધારો કરવામાં વિશ્વસ્તરે આગવી ઓળખ ઉભી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ખેડૂતોને તેમના ઉત્પાદનનું વધુ સારું મૂલ્ય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આધુનિક પ્રોસેસિંગ, સંગ્રહ અને માર્કેટિંગ વ્યવસ્થાઓ દ્વારા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખી શકાય છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી અને ઉદ્યોગસાહસિકતાના નવા દ્વાર ખૂલી શકે છે.

કૃષિ મંત્રીએ ગુજરાતમાં NIFTEM (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલોજી એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ) જેવી અદ્યતન સંસ્થાની સ્થાપનાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આવી સંસ્થા રાજ્યને કૃષિ સંશોધન, ફૂડ ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે નવી ઊંચાઈઓએ લઈ જઈ શકે છે. પશ્ચિમ ભારત માટે તે એગ્રો-ફૂડ ટેક્નોલોજીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે.

કાર્યક્રમ દરમિયાન દક્ષિણ એશિયાના દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કૃષિ અને ઉદ્યોગ વચ્ચે અસરકારક સંકલન દ્વારા જ ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રને વધુ ગતિ આપી શકાય છે.

બે દિવસીય સંવાદ દરમિયાન ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ વિષયક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટકાઉ આર્થિક વિકાસ, રોજગારી સર્જન, ખાદ્ય સુરક્ષા, નિકાસ વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય ધોરણો, સંયુક્ત ધિરાણ મોડલ, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અને ટેક્નોલોજી આધારિત ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા માટેના વૈશ્વિક ધોરણો, કૃષિ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન, સ્ટાર્ટઅપ્સની ભૂમિકા, મહિલા ઉદ્યોગસાહસિકતા અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ વિશેષ ચર્ચાઓ યોજાનાર છે. નિષ્ણાતોનું માનવું છે કે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર આગામી વર્ષોમાં ભારતના અર્થતંત્રને નવી દિશા આપનાર મુખ્ય ક્ષેત્રોમાંનું એક બની શકે છે.

કાર્યક્રમ દરમિયાન ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર અંગે તૈયાર કરાયેલા અભ્યાસ અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આયોજિત ‘ઇનોવેશન ફેર’માં અદ્યતન ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ, પેકેજિંગ ઇનોવેશન અને કૃષિ આધારિત સ્ટાર્ટઅપ્સના નવીન ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત પ્રતિનિધિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

કાર્યક્રમમાં વર્લ્ડ બેંકના ભારત માટેના કાર્યકારી કન્ટ્રી ડાયરેક્ટર પૉલ પ્રોસી, ગેટ્સ ફાઉન્ડેશનના કન્ટ્રી ડાયરેક્ટર અર્ચના વ્યાસ, કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ વિભાગના સચિવ અવિનાશ જોશી, ગુજરાત એગ્રો ફૂડ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર વિજય ખરાડી સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના આગેવાનો અને સંશોધન ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને રોજગારી, કૃષિ સમૃદ્ધિ અને ટકાઉ વિકાસના શક્તિશાળી સાધન તરીકે સ્થાપિત કરવા માટે આયોજિત આ પ્રાદેશિક નીતિ સંવાદને દક્ષિણ એશિયાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ મંચ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ સંવાદમાંથી પ્રાપ્ત થનારા સૂચનો અને નીતિગત ભલામણો આગામી વર્ષોમાં ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયાના ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે.

Back to top button
error: Content is protected !!