રાષ્ટ્રપાલ સોસાયટીના વાસીઓની સમસ્યાઓ સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ: દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીએ રજૂઆત, ત્વરિત કાર્યવાહીની માગ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વેજલપુર વિસ્તારમાં આવેલી રાષ્ટ્રપાલ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સતત દુષિત પાણી, ખતરનાક ખુલ્લા કુવા અને ગંદકીની સમસ્યા ચાલી રહી છે. આ મુદ્દાઓ અંગે અનેક વખત અધિકારીઓને રજૂઆત કરાય છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આવાં ગંભીર મુદ્દાઓને લઈને આજે આમ આદમી પાર્ટીની ‘પોલ ખોલ ટીમ’ દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી ખાતે ભારે હલ્લાબોલ કરવામાં આવ્યો.
આમ આદમી પાર્ટીના નેતાઓ જીતુ ઉપાધ્યાય, ગૌરી દેસાઈ, ડોક્ટર કરન બારોટ, હિમાંશુ ઠક્કર, અમિત પંચાલ, કરન વનજારા, વિષ્ણુ ઠાકોર, રાકેશ મહેરીયા, તીર્થ શ્રીમાળી અને યુનુસ મનસુરીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. ટીમે ડેપ્યુટી કમિશ્નર મીરાંત પરિખ અને આસિસ્ટન્ટ કમિશ્નર રાહુલ શાહને રાષ્ટ્રપાલ સોસાયટીની સ્થિતિ અંગે લેખિતમાં રજૂઆત કરી અને માંગણી કરી કે હેલ્થ વિભાગ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી તાત્કાલિક કાર્યવાહી કરે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટે જણાવ્યું કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15,000 કરોડનું બજેટ હોવા છતાં પણ સામાન્ય નાગરિકોની બેફામ સમસ્યાઓ અંગે તંત્ર નિષ્ઠુર બન્ને મૌન છે. અગાઉ અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. હવે જો આ ગંદકીથી ડેન્ગ્યુ, મલેરિયા કે અન્ય જીવલેણ રોગચાળો ફેલાય કે ખુલ્લા કુવામાં કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ રહેશે?”
તેમણે વધુમાં કહ્યું, “જેમ સામાન્ય નાગરિકો હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરવાના કારણે દંડનો સામનો કરે છે, તેવી રીતે જો તંત્ર પોતાની ફરજ ચુકે છે તો તેમાં સંડોવાયેલા અધિકારીઓને પણ જવાબદાર ઠેરવીને દંડિત કરવાં જોઈએ.”
આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન યોજવામાં આવશે અને પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા વિના શાંતિપૂર્વક બેસી નહીં રહે.
અંતે, આમ આદમી પાર્ટીએ કહ્યું કે સરકાર અને તંત્રે લોકોની પીડા અંગે સમજવું જોઈએ અને ઝડપી અને અસરકારક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય નાગરિકોને આરોગ્ય અને સુરક્ષાની ખાતરી મળે.