રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ પખવાડીયું 2025ની ઉજવણી 13 માર્ચ સુધી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં “પ્રાણી કલ્યાણ પખવાડીયું 2025” તથા “પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ”ની ઉજવણી કરવામાં આવશે. આ પખવાડીયાનો આરંભ 14 જાન્યુઆરી 2025એ કરવામાં આવ્યો હતો, જેનો સમયગાળો વધારીને 13 માર્ચ 2025 સુધી રાખવામાં આવ્યો છે.
આ ઉજવણીના હેતુઓમાં આધુનિક પશુપાલન પદ્ધતિઓ વિશે જનજાગૃતિ ફેલાવવી અને પશુધનના સંવર્ધન અને કલ્યાણને પ્રોત્સાહન આપવું શામેલ છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અનુસાર, આ અવધિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
આ જાગૃતિ અભિયાન અંતર્ગત પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને પ્રાણી કલ્યાણ અંગે માહિતગાર કરવા માટે સ્વ-સહાય જૂથો, બિન-સરકારી સંસ્થાઓ (NGO), ડેરી ફેડરેશન, જિલ્લા સહકારી મંડળીઓ અને દૂધ સંઘો સાથે ભાગીદારી કરવામાં આવશે.
આ પખવાડીયાની ઉજવણી રાજ્યની તમામ પશુ સારવાર સંસ્થાઓ અને વેટરિનરી પોલીક્લિનિક સંસ્થાઓ ખાતે 13 માર્ચ 2025 સુધી ચાલુ રહેશે.