કોંગ્રેસે રાજ્યભરમાં ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી
ગુજરાતમાં ચૂંટણીમાં થતી ગેરરીતિઓ અને વોટચોરીના ષડયંત્રને ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ મેદાને ઉતરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે પ્રદેશ કોંગ્રેસે આગામી 3 થી 10 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ‘વોટ ચોર-ગદ્દી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ આજે પ્રમાણિકતા અને નિષ્પક્ષતાને બદલે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગયું છે અને દેશમાં સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીએ દેશના લોકોના મનમાં જે શંકા હતી કે ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે, તે જાણે સાચું ઠરી રહ્યું છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં ચોર્યાસી બેઠક પર 2.40 લાખ મતદારોની ચકાસણી કરવામાં આવતા 30 હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાના પુરાવા મળ્યા છે.
ચૂંટણી પંચની ગેરરીતિઓ ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશથી ગુજરાતમાં 3 થી 10 ઓક્ટોબર સુધી ‘વોટ ચોર-ગાદી છોડ’ મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મુહિમ અંતર્ગત દેશભરમાં 5 કરોડથી વધુ સહીઓ એકત્ર કરીને લોકતંત્રને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આ ઝુંબેશમાં સક્રિય રૂપે જોડાશે. તેઓ ઘર ઘર ફરીને એકે એક પરિવાર સુધી પહોંચી નકલી, ખોટા અને શંકાસ્પદ મતદારોને શોધી કાઢશે. આ સાથે જ કોંગ્રેસે આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદી ચકાસવાનું પણ નક્કી કર્યું છે.