અમદાવાદમાં મે માસના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં 13 અરજદારોની ત્વરિત ફરિયાદોનો નિકાલ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મે માસના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જિલ્લા કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં નાગરિકોની વિવિધ ફરિયાદોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 13 જેટલા અરજદારો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે દરેક અરજદારોની સમસ્યાઓ નિખાલસપણે સાંભળી અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરીને ઘણા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવ્યો. બાકીના પ્રશ્નોના સંદર્ભે અધિકારીઓને નિયત સમયમર્યાદામાં કાર્યવાહી કરવા સૂચના આપી.
ફરિયાદોની વચ્ચે પાણી અને ગટરલાઈન, બિનઅધિકૃત દબાણ, રસ્તાઓની ખરાબ હાલત, ગેરકાયદેસર બાંધકામ તોડવું, ફૂટપાથનું નિર્માણ અને રી-સર્વે રેકર્ડ વિલંબ જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. ફરિયાદોનો હકારાત્મક ઉકેલ મળતાં અરજદારોના ચહેરા પર સંતોષનો ભાવ છલકાયો અને તેમણે સરકારની ‘સ્વાગત’ પહેલ માટે આભાર વ્યક્ત કર્યો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારની આ પહેલ સામાન્ય નાગરિકના પ્રશ્નોનું તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવતું સશક્ત માધ્યમ બની છે.