સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા, નદીના પટમાં ઉતરી શ્રમદાન કર્યું
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – સાબરમતી નદીની સફાઈ માટે શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરી સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે મળીને રાજ્યપાલે નદીપટ પર સફાઈ કામકાજમાં ભાગ લીધો અને નાગરિકોને પણ નદીના સંરક્ષણ માટે જાગૃત થવાની અપીલ કરી.
રાજ્યપાલે જણાવ્યું કે, “જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે, તેમણે નદીની સ્વચ્છતામાં પણ ભાગ લેવાની ફરજ નિભાવવી જોઈએ.” તેમણે ઉમેર્યું કે પૂજનસામગ્રી અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ નદીમાં ફેંકવાને કારણે પાણી પ્રદૂષિત થાય છે, જે નદી માટે હાનિકારક છે. સાબરમતીને પવિત્ર અને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી સૌએ નિભાવવી જોઈએ.
આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં સાબરમતી નદીમાંથી 408 મેટ્રિક ટન કચરો હટાવવામાં આવ્યો છે. જેમાં 70 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક, 33 મેટ્રિક ટન કપડા અને 41 મેટ્રિક ટન લાકડું શામેલ છે.
અભિયાનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે 15 મેથી નદીની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાસણા બેરેજની કામગીરીને ધ્યાનમાં રાખી નદી ખાલી કરવામાં આવી અને આ સમયગાળા દરમિયાન નદીપટની સંપૂર્ણ સફાઈ કરવાનો નિર્ણય લેવાયો.
આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ દિનેશ મકવાણા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ, ધારાસભ્યો, કોર્પોરેટરો, મ્યુનિસિપલ કમિશનર બંચાનિધિ, તેમજ વિવિધ સંસ્થાઓ અને એનજીઓના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. અત્યાર સુધીમાં 40,435 લોકો મહાઅભિયાનમાં શ્રમદાન આપી ચૂક્યા છે.
અભિયાનના સુચિત સંચાલન માટે દરરોજ JCB, ટ્રક, ટ્રેક્ટર અને હિટાચી જેવા યાંત્રિક સાધનો પણ કાર્યરત રાખવામાં આવ્યા છે. રાજ્યપાલે નાગરિકોને 5 જૂન સુધી વિશેષ ભાગીદારી માટે અપીલ કરતાં જણાવ્યું કે આવનારી પેઢી માટે આપણે સ્વચ્છ અને પવિત્ર નદી છોડવાની જવાબદારી નિભાવવી જરૂરી છે.