નવરાત્રિની શરૂઆતમાં જ રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ગુજરાત સહિત દેશભરમાં 22મી સપ્ટેમ્બરથી આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ તથા ગરબા આયોજકોના ધબકારા વધાર્યા છે. આજે દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં વરસાદ નોંધાયો છે ત્યારે પહેલા નોરતે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતનાં 6 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલથી જ દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આજે ગુજરાતનાં અનેક જિલ્લામાં વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી છે. વરસાદના કારણે ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ થઈ રહી છે. આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 8 કલાકમાં ભરૂચના હાંસોટમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ નોંધાયો. આ સિવાય નવસારીમાં દોઢ ઈંચ, ચીખલીમાં પોણા એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ખેડા, આણંદ, સુરત, તાપી, વડોદરા, વલસાડમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ નોંધાયો છે.