Jasdan: જસદણ તાલુકાના રામળીયા, કનેસરા અને ગઢડિયા ગામની શાળાઓમાં ઉલ્લાસ સાથે ભૂલકાંઓએ શાળામાં પ્રવેશ અપાયો
તા.૨૮/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વ્યક્તિના કારકિર્દી અને કેળવણીના ઘડતરનું પ્રથમ પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ: વાલીઓને બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, સહાયક માહિતી નિયામકશ્રી પારૂલ આડેસરા
મામલતદારશ્રી એન.સી. વ્યાસની વિશેષ ઉપસ્થિતી ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટડો એટલે “શાળા પ્રવેશોત્સવ”
Rajkot, Jasdan: ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટડો એટલે “શાળા પ્રવેશોત્સવ” અને “કન્યાકેળવણી” મહોત્સવ છે. બાળકો દેશના આવતીકાલનું ભવિષ્ય બનવા છે જેના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલીકૃત છે. આ મહોત્સવના ત્રીજા દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળીયા, ગઢડિયા અને કનેસરા ગામમાં સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાના અધ્યક્ષસ્થાને અન મામલતદારશ્રી એન. સી. વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીની ઉત્તમ શિસ્ત બદલ અભિવાદન પાઠવતાં જણાવ્યું હતું કે, વ્યક્તિના કારકિર્દી અને કેળવણીના ઘડતરનું પ્રથમ પગથિયું એટલે પ્રાથમિક શિક્ષણ. વાલીઓએ બાળકોને ભણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આજનો યુગ જ્ઞાન શક્તિ, ટેકનોલોજી શક્તિ અને માહિતી શક્તિનો યુગ છે. આ યુગમાં તમામ વિષયો પર જ્ઞાન હોવું જરૂરી બની ગયું હોવાથી શાળાના શિક્ષકોએ બાળકોને જીવનની તમામ બાબતોથી અવગત કરવા જોઈએ.
આ તકે મામલતદારશ્રી એન. સી. વ્યાસએ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીની ઉમદા અનુશાસનની સરાહના કરતાં જણાવ્યું હતું કે, દીકરીઓ સમગ્ર ક્ષેત્રમાં આગવું સ્થાન બનાવી રહી છે તો દીકરાઓએ પણ શિક્ષણ મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ. તેમજ તેઓએ પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે શાળા દરમ્યાન યોજાતી તમામ સ્પર્ધાઓમાં ઇનામો મેળવવાનો અને હવે વિદ્યાર્થીઓને ઈનામો આપવાનો અનેરો આનંદ હોય છે.
રામળીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બાલવાટિકામાં ૬ કુમારો અને ૧૪ કન્યાઓ મળીને ૨૦ બાળકો, ધો. ૧માં ૧૦ કુમારો અને ૧૧ કન્યાઓ મળીને ૨૧ બાળકો અને આંગણવાડીમાં ૭ કુમાર અને ૫ કન્યા મળીને કુલ ૫૩ બાળકોને પ્રવેશ અપાયો હતો.
ગઢડિયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બાલવાટિકામાં ૧૩ કુમારો અને ૧૬ કન્યાઓ મળીને ૨૯ બાળકો તથા ધો. ૧માં ૧૦ કુમારો અને ૧૯ કન્યાઓ મળીને ૨૯ બાળકો, આંગણવાડીમાં ૮ કુમારો અને ૭ કન્યાઓ મળીને ૧૫ બાળકો એમ કુલ મળીને ૬૩ બાળકોને પ્રવેશ અપાયો હતો.
કનેસરા ગામ ખાતેની પાંચ શાળાનાં સંયુક્ત કાર્યક્રમમાં બાલવાટિકામાં ૨૯ કુમારો અને ૩૬ કન્યાઓ મળીને ૬૫ બાળકો તથા ધો. ૧માં ૧૦ કુમારો અને ૦૫ કન્યાઓ મળીને ૧૫ બાળકો, આંગણવાડીમાં ૫ કુમારો અને ૧૫ કન્યાઓ મળીને ૨૦ બાળકો, ધો.૯માં. ૧૭ કુમારો અને ૧૭ કન્યાઓ મળીને ૩૪ વિદ્યાર્થીઓ, ધો.૧૦માં ૨ વિદ્યાર્થીઓ સહિત કુલ મળીને ૧૩૬ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.
પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમોનો આરંભ કરાયો હતો. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક આપીને સ્વાગત કરાયું હતું. મહાનુભાવોના હસ્તે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ અંતર્ગત ગઢડિયા પ્રાથમિક શાળાના આઠ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, રામળીયા પ્રાથમિક શાળાના ૧૦૦ ટકા શાળામાં હાજરી આપનાર, તેમજ અલગ અલગ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્રો અને ઇનામો વિતરીત કરાયા હતા. તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી મનસુખભાઈ સાકરીયા, ગઢડિયા ગામના સરપંચશ્રી નરસિંહભાઇ કાળોતરા, ઉપસરપંચશ્રી જયંતીભાઈ સોલંકી, આચાર્ય શ્રી કેવીનભાઈ માંડવીયા, રામળીયા ગામના સરપંચશ્રી મનુભાઈ સીતાપરા, આચાર્યશ્રી ભીખુબેન પરસાણા, કનેસરા ગામના સરપંચ શ્રી વસંતબેન કુકડિયા, તાલુકા પંચાયતના સભ્યશ્રી વનીબેન વિઠ્ઠલભાઈ માલકીયા, જસદણ માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેન શ્રી પ્રાગજીભાઈ કુકડિયા, આચાર્યશ્રીઓ શ્રી રાજુભાઈ ઝાપડિયા, શ્રી પ્રજ્ઞાબેન કાનાણી, શ્રી હેતલબેન ગોંડલીયા, શ્રી પરેશભાઈ જોટાણીયા, શ્રી રીંકલભાઈ રૈયાણી, મેડિકલ ઓફિસર ડો. .રવિભાઈ જાદવ, શ્રી અપેક્ષાબેન સાંઈજા અને પર્યાવરણ વિભાગના અધિકારીશ્રી રાહુલભાઈ પરમાર, લાયઝન અધિકારીશ્રી સંદીપભાઈ મહેતા, સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રી ઘનશ્યામભાઈ સહિત મોટી સંખ્યામાં વાલીગણ, ગામના આગેવાનો, આગણવાડી કાર્યકરો, દાતાઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.