
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
વાંકી ખાતે જન આરોગ્ય સમિતિની બેઠક: ૧૫થી ૨૦ ગામોની સુવિધા માટે વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરાશે
વાંકી, તા. ૨૭: મુંદરા તાલુકાના વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વાંકી સહિત આસપાસના ૧૫થી ૨૦ ગામોને વધુ સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરવાની સાથે આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ ભરવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાઘોઘા સીટના સભ્ય રણજીતસિંહ અગરસંગ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાંકી પીએચસી હેઠળ આવતા ૧૫ ગામોમાં સસ્તું અનાજ મેળવવા પાત્ર પરિવારો તથા ૭૦ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોના આયુષ્માન કાર્ડ ૧૦૦ ટકા પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો. કામકાજ માટે બહારગામ જતા લોકોના કાર્ડ પણ બાકી ન રહે તે માટે દરેક ગામે ચાર યુવા કાર્યકરોની મદદ લેવાનું અને તેમને તાલીમ આપવાનું આયોજન કરાયું હતું.
વાંકી આરોગ્ય કેન્દ્ર ૨૪ કલાક કાર્યરત હોવા છતાં ડોક્ટર, સ્ટાફ નર્સ તથા વોર્ડબોયની ખાલી જગ્યાઓને કારણે સેવાઓ પર અસર પડી રહી હોવાનું બેઠકમાં રજૂ થયું હતું. ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા અથવા તાત્કાલિક ડેપ્યુટેશનથી સ્ટાફ ફાળવવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરાશે. સ્ટાફ ઉપલબ્ધ થતાં આસપાસના ગામોના લોકોને પ્રસૂતિ, નાના-મોટા ઓપરેશન તથા દાખલ થવાની સારવાર જેવી સેવાઓ નજીકમાં જ મળી રહે તેવી શક્યતા છે.
વાંકીમાં સામુહિક આરોગ્ય કેન્દ્રની માંગણી
મુંદરા તાલુકાની ભૌગોલિક સ્થિતિ અને વાંકી આસપાસના અંતરિયાળ ગામોને ધ્યાનમાં રાખીને વાંકી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. આ માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ રજૂ કરી સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવા તેમજ સ્ટાફ ક્વાર્ટર્સની પણ માંગણી કરવાનું નક્કી કરાયું હતું. સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થતાં વિસ્તારના લોકોને ૩૦ પથારીની સુવિધા સાથે વધુ વિસ્તૃત આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે તેમ છે.
જન આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજાએ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો સાથે વ્યક્તિગત સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી. તેમણે કર્મચારીઓને ભાઈચારા અને કુટુંબ ભાવનાથી દર્દીઓની સેવા કરવા પ્રેરણા આપી હતી. સમિતિના કો-ચેરપર્સન અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. મેહુલ બલદાણીયાએ સ્ટાફ તથા દવાઓ સંબંધિત રજૂઆતોનો ઝડપી નિકાલ કરવાની ખાતરી આપી હતી.
બેઠકમાં વાંકીના સરપંચ ભરતસિંહ ચનુભા જાડેજા, ઉપસરપંચ રાજીવ લાલજીભાઈ સુએડીયા સહિત સમિતિના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા વિવિધ આરોગ્યલક્ષી પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકનું આયોજન સમિતિના મેમ્બર સેક્રેટરી અને વાંકી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન ભોજાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. હેલ્થ સુપરવાઇઝર બ્રિજેશભાઈ ચારેલ, ફીમેલ હેલ્થ વર્કર નાઝનીન સિદી, આશા કાર્યકર મયુરી હુંબલ, વલુબેન રબારી તથા રામજીભાઈ સોલંકી સહિત આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય નારણભાઈ ગોયલ અને આંગણવાડી કાર્યકર નીતાબેન ડોડીયા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com


