ફરી માવઠું થવાની આગાહી, 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે : હવામાન વિભાગ

રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવવા જઇ રહ્યો છે. 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી માવઠું થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે. તેમણે આગાહી કરતા કહ્યું કે 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલમાં અરબ સાગરમાં સાયક્લોન વાવાઝોડાનું રૂપ લઈ રહ્યું હોવાનું પરેશ ગોસ્વામીએ જણાવ્યું .. તેમણે કહ્યું કે આગામી 24થી 36 કલાકમાં વાવાઝોડું ઉત્તર તરફ ગતિ કરશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપીમાં તીવ્ર માવઠાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢમાં પણ તીવ્ર માવઠાની અસર રહેશે.
નવસારી, સુરત, ડાંગ, આહવા અને બિલીમોરામાં પણ તીવ્ર માવઠાની શક્યતા છે. 25 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધીમાં 35થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં સામાન્ય વરસાદ પડે તેવું અનુમાન છે.




