SPIPA ખાતે 120 અધિકારીઓ માટે ઇ-સરકાર અને HRMS કર્મયોગી પર તાલીમ, ડિજિટલ વહીવટ અંગે મળ્યું વ્યાવહારિક માર્ગદર્શન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતે વર્ગ-1 અને વર્ગ-2 ના સરકારી અધિકારીઓ માટે ઇ-સરકાર તથા HRMS (કર્મયોગી) અને iGOT પ્લેટફોર્મ વિષયક એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ SPIPAના મહાનિર્દેશક હારિત શુક્લના માર્ગદર્શન અને સૂચન અનુસાર યોજાઈ હતી. રાજ્યભરના વિવિધ વિભાગોના કુલ 120 જેટલા અધિકારીઓએ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો.
તાલીમમાં રોજગાર અને તાલીમ વિભાગ હેઠળના આઈ.ટી.આઈ.ના આચાર્યોએ સહીત શિક્ષણ, નાણાં, ખાણ અને ખનિજ, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહેસૂલ અને ગૃહ વિભાગના અધિકારીઓ તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટો જોડાયા હતા.
ઇ-ગવર્નન્સ અને કર્મયોગી અંગે અધિકારીઓને માર્ગદર્શન આપવા માટે પિયુષકુમાર ગઢવી (ICT ઓફિસર) અને HRMS કર્મયોગી તેમજ iGOT વિષય પર સંયુક્ત સચિવ જયેશ હિંડોચાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી. બંને અનુભવી અધિકારીઓએ ઇ-સરકારના વિવિધ પોર્ટલ્સ, વહીવટી કાર્યક્ષમતામાં ટેક્નોલોજીના ઉપયોગ અને કર્મયોગી પ્લેટફોર્મના લાભ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માહિતી આપી.
તાલીમમાં ઉમેરવામાં આવ્યું કે, ઇ-સરકાર અને HRMS પ્લેટફોર્મ જેમ કે iGOT પોર્ટલનો યોગ્ય ઉપયોગ કરવાથી નોકરીમાં જોડાયેલા અધિકારીઓ સતત કૌશલ્યવર્ધન કરી શકે છે. આથી સરકારની સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને જવાબદારીપૂર્ણ બની શકે છે.
તાલીમ દરમ્યાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ પોતાના અનુભવો અને પ્રશ્નો રજૂ કર્યા. અધિકારીઓએ જણાવ્યું કે SPIPA દ્વારા મળતી તાલીમો તેમને કાર્યક્ષેત્રમાં ટેકસેવી બનવામાં અને નીતિનિર્માણના અમલમાં મદદરૂપ થાય છે.
SPIPA દ્વારા આગામી સમયમાં પણ ટેક્નોલોજી આધારિત શાસન અને કાર્યક્ષમતા વધારવાના હેતુસર આવી વધુ તાલીમ શિબિરોનું આયોજન કરાશે, તેમ તાલીમના અંતે સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું.



