આમરણ ઉપવાસ પર બેશે તે પહેલાજ રાજુ કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી
બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની આજે ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ સ્થિત AAPના કાર્યાલય ખાતે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના નેતાઓ કડદાપ્રથાના વિરોધમાં અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેસવાના હતા. સમગ્ર મામલે સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાનો પોલીસે કરપડા અને પ્રવીણ રામની ધરપકડ કરી છે.
બોટાદ જિલ્લાના હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે 65 આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે પૈકી પોલીસે 18 આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં બોટાદ કોર્ટે સુનાવણીના અંતે 18 આરોપીઓને આગામી 20 ઓક્ટોબર સુધી, એટલે કે છ દિવસના પોલીસ રિમાન્ડ સોંપવાનો આદેશ કર્યો હતો. જ્યારે બાકીના 47 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.