ગુજરાત રાજ્યના 171 તાલુકામાં વરસાદ ખાબક્યો, ભારે વરસાદને પગલે 11 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 2.8 ઈંચ, કચ્છના માંડવીમાં 2.3 ઈંચ, વલસાડના પારડીમાં 1.7 ઈંચ અને કચ્છના નખત્રાણામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે.20 તાલુકાઓમા એક ઇંચથી લઇને સવા છ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના માળિયા હટીના અને ઉત્તર ગુજરાતના વડાલીમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 18 ડેમને હાઇએલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રમાં 30.36 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 31.20 ટકા વરસાદ નોધાયો છે. જિલ્લા અને ઝોન પ્રમાણે જો વાત કરી તો માળિયા હાટીના 6.18, વડાલીમાં 6, ગિર સોમનાથમાં 5.31 ઇંચ,મહુવા – સુરત 5.24 ઇંચ વરસાદ,વિસાવદર 5.24 ઇંચ, ક્ચ્છમાં 23.68 ટકા,ઉત્તર ગુજરાતમાં 21.50 ટકા અને પૂર્વ મધ્યમાં 30.39 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી 29-30 જૂનના રોજ કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પહેલી જુલાઈના રોજ નવસારી, વલસાડમાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
આગામી બીજી જુલાઈથી રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળશે. 2 જુલાઈએ 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુંં છે.
ત્રીજી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં 28 જૂન સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40-2.40 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં ધોધમાર વરસાદને પગલે દ્વારકા જગત મંદિર પર અડધા સ્તંભે ધ્વજા ચડાવાઈ છે. જ્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે. જેમાં 11 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.