અમદાવાદ દુર્ઘટનામાં 35 મૃતકોનાં દેહ પરિવારને સોંપાયા, 62 DNA મેચ થયા

અમદાવાદની પ્લેન દુર્ઘટનાએ સેંકડો પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. પ્લેન તો ઠીક પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં નીચે રહેલા પણ અનેક લોકોનાં મોત નિપજ્યાં છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ, ફાયર અને ડોક્ટરી ટીમો ડીએનએ સહિતની તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અનેક અધિકારીઓને રાત દિવસ આ કામગીરી કરવા માટે અધિકારીઓ ફાળવી દેવાયા છે. પોતાનાં સ્વજનો ગુમાવવાનાં આધાતમાં રહેલા લોકોને બીજી કોઇ સમસ્યા ન નડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં જ ખડી કરી દેવામાં આવી છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ થઇ ચુકી છે. ડેપ્યુટી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે આપી માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 62 DNA મેચ થયા છે. તમામને તબક્કાવાર મૃતદેહ સોંપાઇ રહ્યા છે. રાહત કમિશનર આલોક પાંડેએ કામગીરી વિશે આપી માહિતી આપતા જણાવ્યું કે, ૩5 જિલ્લામાંથી મૃતક ના પરિવારજનો છે. જેટલા પેસેન્જર હતા એટલી ટીમ બનાવી છે. પરિવારજનો ને કોઈ અસુવિધા ન થાય એ માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.
જેવો જ મૃતદેહ સોંપાય છે તેટલે તરત જ અમારી ટીમ કામે લાગી જાય છે. મૃતદેહને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ, એસકોર્ટનાં વાહન, ડેથ સર્ટિફિકેટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતનાં તમામ સરકારી કાગળ તત્કાલ જ સોંપવામાં આવી રહ્યા છે. પરિવાર જો બીજુ કાંઇ પણ ઇચ્છતો હોય તો તેની પણ વ્યવસ્થા કરાવાઇ રહ્યા છે. નોંધનીય છે કે, જો બહારનાં જિલ્લાનાં કે રાજ્ય કે દેશનાં હોય અને તેઓ અંતિમ સંસ્કાર અમદાવાદમાં જ કરવા માંગતા હોય તો તેની વ્યવસ્થા પણ અધિકારીઓ કરી આપે છે. તેમનાં ધર્મ અનુસાર તેઓ અગ્નિદાહ આપવા માંગતા હોય અથવા તો દફનાવવા માંગતા હોય તો તે તમામ પ્રકારની વ્યવસ્થા સ્થળ પર જ કરી દેવામાં આવે છે. જો તેઓ પોતાનાં વતન મૃતદેહને લઇ જવા માંગતા હોય તો તે પ્રકારે વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા/દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી/અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ રહ્યું છે.
મૃતદેહોની ઓળખ માટે ડીએનએ સેમ્પલિંગનું કામ શરૂ કરાયું છે. આ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે, તેમના દ્વારા ડીએનએ મેચિંગની કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોના સગા સાથે સંકલન કરીને કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે. હાલ મુસાફરો તથા સ્થાનિક રહેવાસીઓના સગા-સંબંધીના કુલ 250 બ્લડ સેમ્પલ લેવાયા છે, જે પૈકી 62 ડીએનએ મેચ થયા છે. આ પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી ડીએનએ મેચ કરીને 35 મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગા-સંબંધીના સેમ્પલ લેવાના બાકી છે કારણ કે, તેઓ યુ.કે.માં રહે છે. તેઓ આગામી બે-ત્રણ દિવસમાં સેમ્પલ આપવા આવશે.




