પ્રોગ્રેસિવ ગુજરાત સમારોહમાં મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના પગલાંઓને ઉજાગર કર્યા
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ભારત 24 ન્યૂઝ ચેનલના ત્રણ વર્ષ પૂર્ણ થવાની પ્રસંગોચિત ઉજવણી તરીકે ‘પ્રોગ્રેસિવ ગુજરાત’ નામે વિશેષ સમારોહનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનારા મહાનુભાવોનો સન્માન કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ પોતાની ભાષણમાં જણાવ્યું કે ગુજરાત ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં દેશમાં આગળ છે અને વસ્તીની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી મુખ્યત્વે અન્ન, આરોગ્ય અને આવાસ જેવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર્શાવેલ વિકાસના વિઝનને અનુસરી ગુજરાત રાજ્ય વધુ શાંતિમય અને પ્રગતિશીલ બન્યું છે. ચિનાબ રેલવે બ્રિજના લોકાર્પણથી લઈને બેટ દ્વારકાના સુદર્શન સેતુ સુધીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસના ઉદાહરણો આપતાં તેમણે જણાવ્યું કે રાજ્ય આજે અન્ય રાજ્યો માટે રોલ મોડલરૂપ બન્યું છે.
મુખ્યમંત્રીએ આવાસ યોજના, સ્વચ્છતા અભિયાન, ગરીબ કલ્યાણ યોજના, વંદે ભારત ટ્રેન જેવી યોજનાઓ અને પ્રોજેક્ટોની ચર્ચા કરતાં ગુજરાતની આગવી ઓળખને ઉજાગર કરી હતી. તેમણે નર્મદાના નીરને કચ્છ સુધી પહોંચાડવાનો ઉલ્લેખ પણ વિશેષ ગૌરવથી કર્યો હતો.
ભારત 24 ન્યૂઝના સીઈઓ જગદીશચંદ્રાએ રાજ્યમાં પ્રવાહી વિકાસ માટે મુખ્યમંત્રીને ધન્યવાદ પાઠવતાં જણાવ્યું કે ન્યૂઝ ચેનલ જનતા અને સરકાર વચ્ચેના પુલ તરીકે સેવા આપી રહી છે અને આપતી રહેશે.
આ કાર્યક્રમમાં સ્ટ્રેટેજિક એડવાઇઝર મનોજ જિજ્ઞાસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણી સહિત અનેક મહાનુભાવો અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
પ્રોગ્રેસિવ ગુજરાત સમારોહ દ્વારા રાજ્યના વિકાસના વિવિધ પાસાંઓને ઉજાગર કરીને નવી પેઢી માટે પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો.