ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની, 17.32 લાખથી વધુ પડતર કેસો
ગુજરાત હાઈકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા પડતર કેસો બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે.

ગુજરાત રાજ્યના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની નીચલી કોર્ટોમાં પડતર કેસોના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા પડતર કેસો બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. રાજ્યની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પડતર કેસોનું ભારણ ઘટાડવા સુપ્રીમ અને હાઈકોર્ટ પણ ચિંતિત છે, અને અવારનવાર આ મામલે દિશાનિર્દેશ જાહેર કર્યો છે, પરંતુ સામે કેસોનો ભરાવો પણ એટલી જ સંખ્યામાં વધી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પડતર કુલ 1.70 લાખ કેસોમાંથી 21 હજાર કેસો એવા છે કે, જે દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી પડતર અને જૂના છે. જ્યારે 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે.
અમદાવાદ જિલ્લામાં આવેલી તમામ ફેમેલી કોર્ટોમાં કુલ મળી 11,133 જેટલા કેસો પડતર છે. જે પૈકી દસ વર્ષ કરતાં વધુ જૂના કેસો 23 છે. ફેમેલી કોર્ટમાં પણ લગ્નજીવનની તકરાર, બાળકની કસ્ટડી, ભરણપોષણ સહિતના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યની નીચલી કોર્ટોમાં પડતર કુલ 15.62 લાખ કેસો પૈકી 77 હજાર જેટલા કેસો દસ વર્ષ કરતાં જૂના છે, જ્યારે 4,641 કેસો તો 25 વર્ષ જૂના છે. આ જ પ્રકારે રાજ્યમાં આવેલી તમામ લેબર કોર્ટોમાં મળી કુલ 41,364 કેસો પડતર છે, જે પૈકી 3068 કેસો દસ વર્ષ કરતાં જૂના અને 338 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના છે. તો રાજ્યની ફેમેલી કોર્ટોમાં કુલ મળી આશરે 54 હજારથી વધુ કેસો પેન્ડીંગ છે.
અમદાવાદની જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સૌથી વધુ એટલે કે, 4,21,091 કેસો પડતર પડી રહ્યા છે. જે પૈકી 16,317 કેસો દસ વર્ષ કરતાં વધુ જૂના અને4800 જેટલા કેસો 20 વર્ષ કરતાં વધુ જૂના પડતર છે.





