યુવકે પ્રેમજાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે એક યુવકે સોશીયલ મીડિયાથી સંપર્ક કરીને પ્રેમજાળમાં ફસાવીને તેના અંગત ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને નાણાં માંગ્યા હતા. ગભરાઇ ગયેલી સગીરાએ ડરીને તેના દાદાના બેન્ક એકાઉન્ટમાંથી યુવકને બેન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતા સમગ્ર ભાંડો ફુટ્યો હતો. આ અંગે શાહીબાગ પોલીસે યુવક સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાની ધમકી આપતી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શાહીબાગમાં આવેલી એક સોસાયટીમાં 17 વર્ષની સગીરા તેના દાદાના ઘરે રહે છે. બે વર્ષ પહેલા સાહિલ સથવારા સાથે નામના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા ઓળખાણ થઈ હતી. સાહિલે તેને પ્રેમમાં ફસાવીને શારિરીક સંબધ બાંધ્યા હતા. કોઈ કારણસર સગીરાએ સાહિલ સાથે સંબધ તોડ્યા હતા. જો કે, સાહિલે તેની સાથે લગ્નની ખાતરી આપીને વિશ્વાસ કેળવીને તેની સાથે સંબધ બાંધીને તેના ફોટો પાડ્યા હતા. જે ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને સાહિલે સગીરા પાસે નાણાંની માંગણી કરી હતી. જેથી ગભરાઇને તેના દાદાના બેંન્ક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. જેથી સગીરાના પિતાને કોઇએ ફ્રોડ કરીને નાણાં ટ્રાન્સફર કર્યાંની શંકા જતા 1930 સાયબર હેલ્પલાઇન પર ફોન કરતા સાહિલનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાયું હતું.
પોલીસે આ અંગે સાહિલનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સગીરાએ તેને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. આમ, સમગ્ર ભાંડો ફુટતા સગીરાના પિતાએ આ અંગે શાહીબાગ પોલીસ મથકે સાહિલ સથવારા નામના યુવક સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલ કરવાની ફરિયાદ નોંધાવી છે.




