AHAVADANGGUJARAT

આહવાનાં બરમ્યાવડ પ્રાથમિક શાળામાં વાલીઓનો ભારે રોષ; બીજા દિવસે તાળાબંધી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બરમ્યાવડ ગામે પ્રાથમિક શાળાના એક શિક્ષકની પુનઃનિમણૂકને લઈને ફાટી નીકળેલો જનઆક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના પગલે સતત બીજા દિવસે પણ વાલીઓએ શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આ સમગ્ર વિવાદની જડમાં શિક્ષક મધુકર રામજીભાઈ રાઠોડની આ જ શાળામાં પરત નિમણૂક હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૪માં તેમની સામે હોસ્ટેલની બાળકી સાથે દુષ્કર્મ અને POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો, જેમાં જેલવાસ ભોગવ્યા બાદ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરતા શિક્ષણ વિભાગે તેમને ફરી બરમ્યાવડ શાળામાં જ ફરજ બજાવવા આદેશ આપ્યો છે.આ નિર્ણયથી સ્તબ્ધ થયેલા ગ્રામજનો અને એસ.એમ.સી. (SMC) કમિટીએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ શિક્ષકની અન્યત્ર બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાના બાળકોને શાળાએ મોકલશે નહીં.વાલીઓ અને મહિલાઓએ શાળાના દરવાજે એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના મુખ્ય દ્વાર પર તાળા મારીને શૈક્ષણિક કાર્યનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ શિક્ષક માત્ર POCSOના કેસમાં જ નહીં, પરંતુ અગાઉ પણ દારૂના નશામાં રહેવા, આંકડા-જુગારની કુટેવો ધરાવવા અને શાળાની ગ્રાન્ટના કોરા ચેક પર સહીઓ કરાવી લેવા જેવી નાણાકીય ગેરરીતિઓમાં સંડોવાયેલા રહ્યા છે. વાલીઓનો સૌથી મોટો ડર પોતાની દીકરીઓની સુરક્ષાને લઈને છે, કારણ કે તેમને લાગે છે કે આવા વિવાદાસ્પદ ચારિત્ર્ય ધરાવતા શિક્ષકની હાજરીમાં બાળકોનું ભવિષ્ય અને શારીરિક સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવીને ૫૦થી વધુ વાલીઓએ પોતાની સહીઓ સાથે આ રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હાલમાં બરમ્યાવડ પ્રાથમિક શાળામાં સન્નાટો વ્યાપેલો છે અને જો તંત્ર દ્વારા વહેલી તકે શિક્ષકની બદલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે..

Back to top button
error: Content is protected !!