ભરૂચમાં દારૂની હેરાફેરી ઝડપાઈ:બે રિક્ષામાંથી 1.23 લાખનો વિદેશી દારૂ સાથે ચાર શખ્સો પકડાયા, એક વોન્ટેડ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એલસીબી પોલીસે જીએનએફસી ટાઉનશીપ નજીક બે રિક્ષામાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને માહિતી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલા હસમુખ રાઠોડ અને સાદીક શેખ નેશનલ હાઇવે પરથી મીણીયા થેલામાં વિદેશી દારૂ લાવી રહ્યા છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે જીએનએફસી ટાઉનશીપના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
પોલીસે બે રિક્ષામાંથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. રિક્ષામાંથી સેલોટેપથી વીંટાળેલા પાર્સલ મળ્યા હતા. તેમાંથી 23 બોક્સમાં 600 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત રૂ. 1,23,552 છે. પોલીસે બે રિક્ષા અને ત્રણ મોબાઈલ સહિત કુલ રૂ. 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં હસમુખ રાઠોડ, સાદીક શેખ, રજાક દીવાન અને અબ્દુલ મેમણનો સમાવેશ થાય છે. પોલીસે દારૂનો જથ્થો જેને પહોંચાડવાનો હતો તે કૃણાલ પરમારને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.