વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી,તા- 13 એપ્રિલ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા જિલ્લા સ્તરે સરાહનીય પ્રાચાર્ય સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ અને રાષ્ટ્રહિતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યો સાથે સંવાદ કરવામા આવેલ હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આચાર્યોને એક મંચ પર લાવીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, મૂલ્ય શિક્ષણ, શાળાની સુધારણા અને શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય ચિંતન વિશે વિચારવિમર્શ કરવાનો રહ્યો હતો. મહાસંઘના મુખ્ય સૂત્ર “રાષ્ટ્રહિત, શિક્ષણહિત અને શિક્ષકહિત એ જ સમાજનું હિત છે”, એ અંતર્ગત વિવિધ સત્રોનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રે આવનારા પડકારો અને ઉકેલો અંગે ચર્ચા કરાઈ.
પ્રચાર્ય સંવાદ દરમિયાન, “હમારા વિધાલય હમારા તીર્થ” અભિયાનની વિશદ માહિતી આપવામાં આવી. શાળાઓને જ્ઞાન અને સંસ્કારના તીર્થ ધામ તરીકે વિકસાવવા, સ્વચ્છતા અને રાષ્ટ્ર પ્રેમના ભાવના વિકસાવનારા કાર્યક્રમોનું આયોજન કરવા અપીલ કરવામાં આવી.
કાર્યક્રમમાં જૂની પેન્શન યોજના વિષયક ચર્ચા પણ ઉઠી. આચાર્યો દ્વારા આ યોજનાનું સમર્થન વ્યક્ત કરી, સરકાર સુધી પહોંચવા માટે વ્યૂહરચના બનાવવાની ચર્ચા પણ કરાઈ.
આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડના અધ્યક્ષ નયનભાઈ વાંઝા, અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, શૈલેન્દ્રસિંહ જાડેજા, સંગઠન મંત્રી હરેશભાઈ ત્રિવેદી, પુનશીભાઈ ગઢવી, ડૉ મીરાબા વસણ, ચેતનભાઇ લાખાણી, અમોલભાઈ ધોળકીયા, નિલેશભાઈ વાઘેલા, કનકસિંહ ડોડીયા, ગિરીશભાઈ સોલંકી સહિત અનેક હોદ્દેદારો અને સક્રિય સદસ્યો જોડાયેલ હતા.
આ પ્રચાર્ય સંવાદ કાર્યક્રમ કચ્છ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે નવો પથ દર્શાવશે અને શાળાઓમાં શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રીય વિચારધારાને દ્રઢ કરી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવા આશાવાદ સાથે પ્રાચાર્ય સંવાદ યોજવામાં આવેલ છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.