
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
BLOની કામગીરીમાં શિક્ષકો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવું અપમાનજનક.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા કરાયેલ યોગ્ય રજૂઆતને આવકારાઇ.
માંડવી, તા.૦૪ નવેમ્બર : હાલ ગુજરાત રાજ્યમાં મતદારયાદી સુધારણા કામગીરી અંતર્ગત બી.એલ.ઓ. ની ફરજ બજાવી રહેલા શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચે એ રીતે કાર્યવાહી કરવા બાબતની સૂચનાઓ થઈ રહી છે તે અયોગ્ય છે અને જો આ જ પ્રમાણે વોરંટ ઇશ્યૂ કરવામાં આવશે અથવા બાળકના શિક્ષણના ભોગે કાર્યવાહી કરવામાં આવશે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આગામી સમયમાં યોજાનારી રાજ્ય બેઠકમાં આ અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેશે તેમ અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું છે. આથી મુખ્યમંત્રીને આ બધા પરિબળો જોતા બી.એલ.ઓ.ની ફરજ પરના શિક્ષકો માટે વોરંટ પ્રથા રદ કરવામાં આવે તેમજ આ કામગીરી માટે એક સ્પેશિયલ કેડર ઊભી કરવામાં આવે અને નિયમ પ્રમાણે તમામ 12 જેટલી અન્ય કેડરમાંથી બી.એલ.ઓ. ની કામગીરી આપવામાં આવે તેવો અનુરોધ આ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
બુથ લેવલ ઓફિસરને કામગીરીમાં પડતી મુશ્કેલીઓ તથા આ કામગીરીમાં શિક્ષકોના ધરપકડ વોરંટ ઇસ્યુ ન કરવા બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ જેને “સર” કહેવામાં આવે છે તેનુ સમય પત્રક જાહેર કરવામાં આવ્યુ છે અને 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે ફરીને મતદારો પાસેથી ફોર્મ ભરાવશે. ત્યારબાદ 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. આ તમામ પ્રક્રિયાઓના અંતે સાત ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારે આ કામગીરીમાં ઘરે ઘરે ફરીને પ્રક્રિયા આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં 51,000 થી વધુ બુથોમાં 38,000 થી વધુ શિક્ષકો તરીકે ફરજ બજાવતા હોય તેવા સંજોગોમાં શિક્ષકો ફક્ત સર્વે કરનાર ડેટા ઓપરેટરોની ભૂમિકામાં આવે છે સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરી રહી છે શિક્ષકોના પગારના પ્રમાણમાં તેઓ પાસે 15,000ના પગાર ધરાવતા ડેટા ઓપરેટરનું કામ કરાવવું અને શિક્ષણની ચિંતા ન કરવી તે શિક્ષણની ગુણવત્તા અને સમગ્ર શિક્ષણ માટે પણ ખતરા રૂપ છે. તમામ મુદ્દાઓ વિશે યોગ્ય વિચારણા કરીને તત્કાલ નિર્ણય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કામગીરી શાળા સમય બાદ પૂર્ણ થઈ શકે તેમ નથી કોઈ કારણોસર કામ પૂર્ણ ન થાય અથવા કોઈ અંગત કે વેકેશન કે અન્ય કામમાં હોય અને બી.એલ.ઓ. કર્મચારી જો કચેરીમાં ન આવી શકે તેવા સંજોગોમાં કચેરી દ્વારા જાણે શિક્ષક ગુનેગાર હોય તેમ વોરંટ ઇશ્યૂ કરવામાં આવે છે. ફિલ્ડની કામગીરીમાં વધુ સમય લાગે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની લેખિત જાણ કરવામાં આવે છે, આથી યોગ્ય વિચારણા કરી નિર્ણય લેવા બે લાખથી વધુ શિક્ષકોએ માંગ કરી આવી વોરંટ પ્રથા રદ કરવી જરૂરી છે. તેમજ બી.એલ.ઓ ના ઓર્ડર વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી કચેરીઓની તમામ 12 કેડરમાં એક સમાન રીતે ફાળવવા માંગ કરવામાં આવી છે. આ અંગે લેખિત સૂચના ચૂંટણી આયોગની હોવા છતાં બી.એલ.ઓ. ની જગ્યામાં 90% થી વધુ શિક્ષકો કામગીરી કરી રહ્યા છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતની શિક્ષણ તેમજ શિક્ષક હિતમાં કરાયેલ યોગ્ય રજૂઆતને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગો આવકારે છે.


				



