GUJARATKUTCHLAKHPAT

સરહદી લખપત તાલુકામાં આરોગ્ય સેવાઓ પર ‘ગ્રહણ’ : ઉચ્ચ અધિકારીના કથિત માનસિક ત્રાસ અને મનસ્વી વલણથી કર્મચારીઓમાં ભારે રોષ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.

લખપત,તા – 28 ફેબ્રુઆરી : કચ્છ જિલ્લાનો છેવાડાનો અને ભૌગોલિક રીતે અત્યંત વિષમ ગણાતો લખપત તાલુકો જ્યાં આરોગ્ય કર્મચારીઓ સેવાના ભાવથી ફરજ બજાવી રહ્યા છે ત્યાં હાલ વહીવટી અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાથી ‘સજા’ રૂપે બદલી થઈને આવેલા વર્તમાન તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સ્થાનિક કર્મચારીઓનું માનસિક શોષણ કરવામાં આવતું હોવાની ગંભીર રજૂઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવી છે. આ વિવાદને કારણે સરહદી વિસ્તારમાં માંડ વેગ પકડી રહેલી આરોગ્ય સેવાઓ રૂંધાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

રજૂઆત મુજબ સંબંધિત અધિકારી અગાઉ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પણ વિવાદાસ્પદ રહ્યા છે અને ત્યાં કર્મચારીઓને ત્રાસ આપવાની ફરિયાદોને પગલે જ તેમની બદલી લખપત કરવામાં આવી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે અધિકારી પોતાની સજાનો ગુસ્સો લખપતના નિર્દોષ કર્મચારીઓ પર ઉતારી રહ્યા છે. તેમની કથિત હેરાનગતિને કારણે છેલ્લા એક વર્ષમાં અનેક અનુભવી કર્મચારીઓ અને મેડિકલ ઓફિસર જેવા ગંભીર હોદ્દા પરના લોકોએ રાજીનામા આપી દીધા છે જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય છે.

કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરાયો છે કે અધિકારી દ્વારા મહિલા કર્મચારીઓને કચેરી સમય બાદ ખોટી રીતે રોકી રાખવામાં આવે છે અને જાહેરમાં તેમનું અપમાન કરવામાં આવે છે. એટલું જ નહીં રજાના કિસ્સામાં પણ અત્યંત સંવેદનહીનતા દાખવવામાં આવે છે. એક કિસ્સામાં તો પિતાના અવસાન વખતે ગયેલા કર્મચારીને પગાર કાપની ધમકી અપાઈ હોવાનો અને પ્રસૂતિની રજા પર ગયેલ મહિલા કર્મચારીનો પગાર અટકાવી દેવાયાના ગંભીર આક્ષેપો થયા છે.

તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવતા પત્રવ્યવહારની ભાષા અને શૈલી પણ વિવાદાસ્પદ હોવાનું સામે આવ્યું છે. નાની બાબતોમાં કારણદર્શક નોટિસો આપવી, વોટ્સએપ ગ્રુપમાં ધમકાવવા અને જિલ્લા કક્ષાએ ખોટું અર્થઘટન કરીને રિપોર્ટિંગ કરવાને કારણે ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓનો નૈતિક જુસ્સો તૂટી રહ્યો છે. કર્મચારી વર્તુળમાં જાણવા મળે છે કે જો આ અધિકારી સામે કડક પગલાં નહીં લેવાય તો લખપત તાલુકાના સામાન્ય લોકો સુધી પહોંચતી આરોગ્ય સેવાઓ ખોરવાઈ જશે.

સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કર્મચારીઓને આવા ‘માનસિક ત્રાસ’ આપતા અધિકારીથી મુક્તિ અપાવવામાં આવે તો જ લખપતના લોકોના આરોગ્ય અને સુખકારીમાં વધારો થશે એવું જાણકારો જણાવી રહ્યા છે. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!