GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના ભોટવા ખાતે દેશભક્તિના માહોલમાં હવાલદાર અમરસિંહ રાઠોડનું ભવ્ય સ્વાગત

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાનાના ગામ ભોટવા ખાતે રહેતા અને ભારતીય સેનામાં ૨૪ વર્ષ સુધી ફરજ બજાવનાર હવાલદાર રાઠોડ અમરસિંહ સેવાથી નિવૃત્ત થતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા ભોટવા ગામના હવાલદાર અમરસિંહ રાઠોડ 17 મેકનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી રેજીમેન્ટ બટાલિયનમાંથી 2 સપ્ટેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થયા હતા.

 

દેશ સેવા બાદ વતન પરત ફરેલા રાઠોડ અમરસિંહ છત્રસિંહનું સન્માન કરવા માટે વાઘજીપૂર ચોકડી ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, યુવાનો, પરિવારજનો અને મિત્રો જોડાયા હતા. રેલી વાઘજીપૂર ચોકડીથી શરૂ થઈને મરડેશ્વર મહાદેવ મંદિર થઈને હોસેલાવ ચોકડી પાસેથી પસાર થઈ તેમના ઘર સુધી પહોંચી હતી. આ સમગ્ર રેલી દરમિયાન દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જેના કારણે દેશભક્તિનો માહોલ છવાયો હતો.

 

હવાલદાર અમરસિંહના સ્વાગત માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેમને ફૂલહાર પહેરાવી, તાળીઓ પાડી અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી તેમનું અભિવાદન કર્યું હતું. દેશની સેવા કરીને આવેલા પુત્રનું આ રીતે સન્માન થતા અમરસિંહના પરિવારજનો પણ ખુશીથી ભાવુક થઈ ગયા હતા.

આ સમારોહમાં હવાલદાર રાઠોડ અમરસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના ૨૪ વર્ષની અજોડ સેવાની કદર કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે દેશ સેવા કરવાનો મોકો મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોએ પણ રાઠોડ પરિવારને અભિનંદન પાઠવીને તેમનું સન્માન વધાર્યું હતું. આ રેલી દરમિયાન પરિવારે ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવેલ હતી. આ ભવ્ય સ્વાગતથી શહેરા અને આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!