GUJARAT

પર્યાવરણ સુદ્રઢ કરવા વધુ એક પ્રેરક પહેલ કરતા અમીતભાઇ શાહ

ભારતના ગૃહમંત્રીની વધુ એક પ્રેરક પહેલ ગાંધીનગરની લોકસભા બનશે હરીયાળી

ઉજ્જડ જમીન પર ઇકોસિસ્ટમ ઉજાગર કરવા વિશેષ અભીયાન

જામનગર (ભરત ભોગાયતા) ગાંધીનગર લોકસભાના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમીતભાઇ શાહના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના વિસ્તારને હરીયાળુ બનાવાનો પ્રારંભ થયો છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા ‘ગાંધીનગર હરિયાળી લોકસભા’ પ્રોજેક્ટ અંતર્ગત ઉજ્જડ અને ક્ષારયુક્ત જમીનોને હરિયાળીથી આચ્છાદિત કરવાની દિશામાં રાજ્ય સરકાર અને વન વિભાગે વ્યાપક અભિયાન હાથ ધર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વધુ વેગ આપતા આ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સવા કરોડ (1.25 કરોડ) વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ઉજ્જડ જમીનને નવસાધ્ય બનાવી સ્થાનિક પ્રજાતિના વૃક્ષો દ્વારા જૈવવિવિધતાથી સમૃદ્ધ અને સ્વનિર્ભર ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ પહેલ જળવાયુ પરિવર્તન સામે લડવા, ભૂગર્ભ જળ સંરક્ષણ, જમીનની ફળદ્રુપતા વધારવા અને પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ અભિયાનનું એક પ્રેરણાદાયક ઉદાહરણ અમદાવાદ જિલ્લાના બગોદરા-નળસરોવર માર્ગ પર આવેલા કણોતર ગામમાં જોવા મળી રહ્યું છે. અહીં 23 હેક્ટર ગૌચર જમીન, જે અગાઉ અત્યંત ક્ષારયુક્ત અને ગાંડા બાવળોથી ઘેરાયેલી હોવાથી ઉજ્જડ બની ગઈ હતી, તેને સંપૂર્ણપણે નવસાધ્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત વન વિભાગે સૌપ્રથમ ગાંડા બાવળ દૂર કરીને જમીનની ઊંડી ખેડાણ કરી, ત્યારબાદ જમીનની ગુણવત્તા સુધારવા માટે જિપ્સમ, છાણિયું ખાતર, જરૂરી પોષક તત્ત્વો અને અન્ય સુધારક સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જમીન તૈયાર થયા બાદ હવે અહીં 2.30 લાખ સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવા માટે ફેન્સિંગ કરવામાં આવ્યું છે અને વૃક્ષોને સિંચાઈ માટે સોલાર ઊર્જાથી સંચાલિત બોરવેલની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
વન વિભાગના જણાવ્યા મુજબ આ કામગીરી માત્ર કણોતર ગામ પૂરતી મર્યાદિત નથી. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં કુલ 82 સ્થળોએ સમાન પ્રકારની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વર્ષો સુધી ઉજ્જડ રહેલી અને ખેતી કે વનસ્પતિ માટે બિનઉપયોગી ગણાતી જમીનને વૈજ્ઞાનિક પદ્ધતિથી સુધારીને તેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 540.92 હેક્ટર વિસ્તારમાં આશરે 60 લાખ રોપાઓ વાવવામાં આવશે. સરકારનું માનવું છે કે આ કામગીરીના પરિણામે માત્ર હરિયાળી જ નહીં વધે, પરંતુ લાંબા ગાળે જમીનની ગુણવત્તા, પાણી સંચય ક્ષમતા અને જૈવવિવિધતામાં પણ નોંધપાત્ર વધારો થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો મોડલ હરિયાળો લોકસભા મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડીને લોકભાગીદારીના માધ્યમથી વધુ વ્યાપક બનાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પણ આ અભિયાનને વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ જાળવવા માટે જ નહીં, પરંતુ આગામી પેઢીઓને સ્વચ્છ અને સંતુલિત કુદરતી પર્યાવરણ આપવાના પ્રયાસનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. વિવિધ સરકારી વિભાગો, સ્થાનિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોના સહયોગથી આ અભિયાનને લોકચળવળનું સ્વરૂપ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ સમગ્ર અભિયાનમાં સ્થાનિક અને લુપ્તપ્રાય વનસ્પતિઓના સંવર્ધન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા મુજબ ઝડપથી વિકસતા વિદેશી વૃક્ષોની જગ્યાએ સ્થાનિક આબોહવા અને પર્યાવરણને અનુકૂળ પ્રજાતિઓની પસંદગી કરવામાં આવી છે. કુલ 121 વનસ્પતિ પ્રજાતિઓમાંથી 80 સ્થાનિક પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવશે. ઉપરાંત 6.05 લાખથી વધુ રોપાઓમાં 24 દુર્લભ, વિલુપ્ત અને ભયગ્રસ્ત પ્રજાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુમકુમ, શીમળો, કંપીલો, કીલાઈ, ચમુલી, જંગલી સરગવો, સફેદ સિરીશ, જંગલી જામફળ, કાંચનાર, પીળો કેસૂડો, અરીઠા, સફેદ સાગ અને સફેદ ગંભાર જેવી અનેક સ્થાનિક પ્રજાતિઓને આ અભિયાનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જૈવવિવિધતાના સંરક્ષણમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આવા વૃક્ષો પક્ષીઓ, પતંગિયાઓ, મધમાખીઓ, સરીસૃપો અને અન્ય પરાગનયન કરતા જીવજંતુઓને ખોરાક, આશ્રય અને પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. વૃક્ષોના ફૂલો, ફળો અને પાંદડાં વર્ષભર વિવિધ પ્રાણીઓ અને જીવજંતુઓ માટે પોષણનો સ્ત્રોત બને છે. ઉપરાંત ગાઢ વનસ્પતિ નાના પ્રાણીઓ માટે સુરક્ષિત રહેઠાણ અને અવરજવરનો માર્ગ પણ ઉભો કરે છે. વન વિભાગના મતે, જમીનમાં ભેજ જાળવી રાખવાની ક્ષમતા વધવાથી અને જૈવવિવિધતામાં વધારો થવાથી સમગ્ર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને આબોહવા પરિવર્તન સામે પણ વધુ સક્ષમ રીતે ટકી શકશે.

_____________

 

________________

રીગાર્ડઝ

ભરત જી. ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

b.sc.,ll.b.(+special),dny (GAU), journalism (hindi), ind.rltn &prsnl mamg ( dr rajendraprasad university)

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!