સાવરકુંડલામાં સમર કેમ્પનું ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો

યોગેશ કાનાબાર રાજુલા
*સાવરકુંડલામાં સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન બાળકોમાં સર્વાંગી વિકાસને વેગ મળ્યો*
*ગુજરાત યોગ બોર્ડના સમર કેમ્પથી સાવરકુંડલાના બાળકોમાં યોગ અને સંસ્કાર સિંચન*
ગુજરાત યોગ બોર્ડ દ્વારા સાવરકુંડલા ખાતે આયોજિત સમર યોગ કેમ્પનું ભવ્ય સમાપન થયું. આ કેમ્પમાં 5 થી 15 વર્ષના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ, પ્રાણાયામ, સંગીત, માઈન્ડ પાવર, બ્રેઈન જીમ, જૂની રમતો, સાંસ્કૃતિક વિવિધ સ્પર્ધાઓ, કરાટે અને સેલ્ફ ડિફેન્સ જેવી અનેક લોકપ્રિય પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. આ સમર યોગ કેમ્પનું ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અમરેલી જિલ્લાના જાણીતા યોગ કોચ બીનાબેન પંડ્યાએ સંપૂર્ણ કેમ્પ દરમિયાન બાળકોને સરળ અને સમજાય તેવી રીતે યોગ અને અન્ય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીનાબેન પંડ્યાના અનુભવ અને શિક્ષણ શૈલીએ બાળકોમાં યોગ પ્રત્યે રૂચિ જગાવી હતી અને તેમને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરી હતી. આ કેમ્પના સફળ સંચાલનમાં જાગૃતિબેન આર. ગોસ્વામી અને કિરણબેન એન.ભટ્ટીએ સહ-સંચાલક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે સમગ્ર કેમ્પ દરમિયાન નાની-મોટી તમામ વ્યવસ્થા સંભાળીને બાળકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડ્યું હતું. તેમની નિષ્ઠાવાન સેવાઓએ કેમ્પને સુચારુ રૂપે ચલાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
સમર યોગ કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર શારીરિક કસરતો જ નહોતો, પરંતુ બાળકોમાં સારું શિક્ષણ, માતા-પિતા અને પરિવાર સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા તેમજ સમાજમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માટેની સમજણ કેળવવાનો પણ હતો. આ કેમ્પ દ્વારા બાળકોને શિસ્ત, એકાગ્રતા, આત્મવિશ્વાસ અને સામાજિક મૂલ્યોનું મહત્વ શીખવવામાં આવ્યું હતું. આ પ્રકારના કેમ્પના આયોજનથી બાળકોના સર્વાંગી વિકાસને વેગ મળે છે અને તેમને ભવિષ્ય માટે સક્ષમ નાગરિક બનવામાં મદદ મળે છે. ગુજરાત યોગ બોર્ડ અને સાવરકુંડલાની યોગ પ્રેમી જનતાનો આભાર કે તેમણે આ ભવ્ય આયોજનને સફળ બનાવ્યું. આગામી સમયમાં પણ આવા વધુ કેમ્પનું આયોજન થાય તેવી આશા રાખીએ.




