
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૦ નવેમ્બર : કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહિત કુલ-૨૧ ટાપુઓ/રોક (ખડક) આવેલા છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં વ્યક્તિઓ સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા આ ટાપુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવા નાયબ પોલીસ મહાનિરીક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી દરખાસ્ત રજૂ થતાં પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. આ જાહેરનામાની મુદત પૂર્ણ થયેલ હોઈ પુન: જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજૂ થઈ છે.કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ (એકવીસ) ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે આ જાહેરનામા અન્વયે રાજ્ય/કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી કામે રોકાયેલ રાજ્ય/કેન્દ્ર સરકારના કર્મચારી/અધિકારી ઓને મુક્તિ આપવામાં આવશે. આ જાહેરનામું તા.૧૭/૦૧/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંમાંથી મુક્તિ આપવા માટેના અધિકારો સબંધિત પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ તથા સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઓને રહેશે.



