GUJARATKUTCHMUNDRA

મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આઈ-કાર્ડ વિતરણ સમારંભ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આઈ-કાર્ડ વિતરણ સમારંભ યોજાયો

મુંદરા,તા.31: તાજેતરમાં મુંદરાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘આઈ-કાર્ડ વિતરણ સમારંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજની વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. દિપકભાઈ ખરાડી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી પરંપરાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મંગલમય વાતાવરણમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંસ્થાના માનદ મંત્રી કિશોરસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે આઈ-કાર્ડ એ માત્ર ઓળખપત્ર નથી પરંતુ શિસ્ત અને સંસ્થા સાથેના જોડાણનું પ્રતીક છે. તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા ખાતરી આપી હતી કે કોલેજ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને શિક્ષણ અને અન્ય પાયાની સુવિધાઓમાં શ્રેષ્ઠત્તમ વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે.
ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો જગ્નેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ ઠક્કર, પ્રકાશભાઈ પાટીદાર, ભૂપેન્દ્રભાઈ મહેતા, કિરણભાઈ તથા વહીવટી અધિકારી અશોકભાઈ વ્યાસના હસ્તે વિદ્યાર્થીઓને આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે કોલેજના પ્રોફેસર જયેશભાઈ મટાણી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમારંભ બાદ વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદારોએ કોલેજ કેમ્પસમાં ચાલી રહેલા વિવિધ શૈક્ષણિક અને વિકાસલક્ષી કાર્યોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.

 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!