અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસની અગત્યની બેઠક શામળાજીમાં યોજાઈ.વોટચોરી વિરોધ મુદ્દે આગામી ૩ થી ૧૦ ઓક્ટોબર સુધી બુથવાઈઝ સહી ઝુંબેશ હાથ ધરાશે
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની બેઠક આજે શામળાજીના નરસિંહધામ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલની અધ્યક્ષતામાં મળી. બેઠકમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અનેક નિર્ણયો લેવાયા. ખાસ કરીને નરસિંહધામ,શામળાજી ખાતે કાર્યકર્તા સંમેલન તા. ૪ ઑક્ટોબરે બપોરે ૧.૩૦ કલાકે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેમજ ૨ ઑક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવા અંગે ચર્ચા થઈ.ઉપરાંત ૩ થી ૧૦ ઑક્ટોબર સુધી બૂથવાઇઝ “વોટ ચોરી વિરોધી સહી ઝુંબેશ” ચલાવવા આયોજન નક્કી થયું અને તાલુકાવાર જવાબદારીઓ સોંપાઈ.
સંગઠનને તળિયાથી મજબૂત બનાવવા મંડલ, સેક્ટર અને ગ્રામ સમિતિઓને સક્રિય કરવા નવી જવાબદારીઓ આપવામાં આવી. સ્વાગત પ્રવચન ભિલોડા કોંગ્રેસ પ્રમુખ કાંતિભાઈ ખરાડી એ કર્યું હતું. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્તિશાળી તાલુકા અને જિલ્લા કક્ષાની ઢંઢેરા સમિતિ તેમજ સંકલન સમિતિ રચવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાના સ્થાનિક મુદ્દાઓ પર આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવા અંગે ચર્ચા થઈ.આ અવસરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસને જીત તરફ લઈ જવા માટે સંગઠનનું એકતાબંધ, સક્રિય અને લડતુ બનવું અનિવાર્ય છે. એકતા – સંકલન – સંઘર્ષથી જ જીત શક્ય છે. આ પ્રસંગે રાજુભાઈ પારઘી, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પવાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આભારવિધિ જયેશભાઈ અસારી એ કરી હતી.