GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં માનવ એમ્બ્યુલન્સની અછત વચ્ચે પશુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ: રતાડીયા જલારામ સખી મંડળે મુખ્યમંત્રીને કરી રજુઆત.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા.૧૪ જૂન : કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં માનવ સ્વાસ્થ્ય સેવાઓમાં એમ્બ્યુલન્સની અછતનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક તરફ, રતાડીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા આઠ વર્ષથી એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ, તાજેતરમાં પશુઓ માટે આધુનિક એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને લઈને જલારામ સખી મંડળ, રતાડીયાના પ્રમુખ તિતિક્ષા પ્રકાશચંદ્ર ઠક્કરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૨૦૧૭ થી કાર્યરત હોવા છતાં, અહીં એમ્બ્યુલન્સની વ્યવસ્થાનો અભાવ સ્થાનિક જનજીવન માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સરકારી રાષ્ટ્રીય કાર્યક્રમો હેઠળ એમ્બ્યુલન્સ સેવા મળવી ફરજિયાત હોવા છતાં, આ સુવિધા ઉપલબ્ધ નથી. સ્થાનિક મેડિકલ ઓફિસર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પગલાં લેવાયા નથી.આશ્ચર્યજનક રીતે, મુન્દ્રા તાલુકામાં પશુઓ માટે આધુનિક એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. ઠક્કરે આ સુવિધાને આવકાર્ય ગણાવતા જણાવ્યું હતું કે, “પશુઓ માટેની આ સુવિધા આવકારદાયક છે, પરંતુ માનવ જીવનની સુરક્ષા અને આરોગ્ય સેવાઓ કરતાં પશુઓની સેવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોય તેવો આભાસ થાય છે, જે ચિંતાજનક છે.”રજૂઆતમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે, લોકશાહીમાં માનવ જીવનનું મૂલ્ય સર્વોપરી છે. મુન્દ્રા તાલુકાના નાગરિકો માટે તાત્કાલિક સારવાર અને ઇમરજન્સી સેવાઓ માટે એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અત્યંત આવશ્યક છે. અકસ્માત કે બીમારીના કિસ્સામાં સમયસર સારવાર ન મળવાથી ગંભીર પરિણામો આવી શકે છે.જલારામ સખી મંડળે મુખ્યમંત્રીને નમ્ર વિનંતી કરી છે કે, મુન્દ્રા તાલુકાના રતાડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત જરૂરિયાતમંદ અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઉપરાંત, માનવ સ્વાસ્થ્ય સેવાઓને અગ્રિમતા આપવામાં આવે અને રાજ્યના દરેક નાગરિકને પૂરતી આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.આશા રાખવામાં આવી રહી છે કે મુખ્યમંત્રી શ્રી આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરશે અને મુન્દ્રા તાલુકાના નાગરિકોના આરોગ્યની ચિંતાને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેશે.

Back to top button
error: Content is protected !!