આણંદ – બોરીયામાં ઘર પાસે બાઈક મુકવા બાબતે દંપતીને માર માર્યો

આણંદ – બોરીયામાં ઘર પાસે બાઈક મુકવા બાબતે દંપતીને માર માર્યો
તાહિર મેમણ – આણંદ – આણંદ જિલ્લા ના પેટલાદ તાલુકાના બોરીયામાં ઘર પાસેનું બાઈક ખસેડવા મુદ્દે દંપતીને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે બે મહિલા સહિત 4 સામે ગુનો નોંધી ધરપકડની કવાયત હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદના બોરીયા સ્થિત દિવાન ફળીયામાં માસુમબાનુ સલમાનશા દિવાન રહે છે. તેમના પતિ સલમાનશા આણંદ ખાતે મજૂરીકામ કરે છે. ગત શનિવારે સાંજે રાતે નવની આસપાસ તેઓ મજૂરીકામ કરી પરત ઘરે પહોંચ્યા હતા એ સમયે જ તેમની પડોશમાં રહેતા અનવરભાઈના પત્ની અફશાનાબાનું આવી પહોંચ્યા હતા અને ઘર પાસે પાર્ક કરેલું અનવરભાઈનું બાઈક કેમ ખસેડ્યું તેમ કહીને ગમે તેમ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન, તેમનું ઉપરાણું લઈને તેમના પુત્ર અલ્તાફશા અનવરશા દિવાન, આસીફશા અનવરશા દિવાન અને સમીમબાનુ હબીબશા દિવાન આવી પહોંચ્યા હતા અને માસુબાનુના પતિને તું ઘરના બહાર નીકળ તેમ કહી ગમે તેમ બોલ્યા હતા. જેથી સલમાનશા ઘરની બહાર નીકળતા જ ચારેય જણા તેને ઘેરી વળ્યા હતા અને લાકડીથી તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. આ ઝઘડામાં છોડાવવા પડેલા તેના પત્નીને પણ તેમણે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, બાઈક મુકવા બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




