આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક કે ૩૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક કે ૩૩ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો
તાહિર મેમણ – આણંદ – 28/06/2024- કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આરંભાયેલા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આણંદના જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણીએ પેટલાદ તાલુકાના પાડગોલ ખાતે આવેલ સાઠીયાપુરા પ્રાથમિક શાળાના આંગણવાડીમાં – ૦૫, બાલવાટીકામાં -૧૦ અને ધોરણ -૧ માં ૧૮ મળી કુલ ૩૩ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સ અને ચોકલેટ્સ આપીને શાળાપ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક શ્રી જસાણીએ ગ્રામજનોને અને ખાસ કરીને ગામની મહિલાઓને માત્ર પોતાનું જ બાળક નહિં પરંતુ આસપાસનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય અને શાળાએ જવાનું બંધ ન કરી દે તે જોવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં બાળકોના માતાપિતાને સરકાર દ્વારા બાળકો માટે અમલી બનાવાયેલ વિવિધ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે જાણકારી આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે બાળકોને અને ખાસ કરીને દિકરીઓને કોલેજ સુધીનો અભ્યાસ કરાવવા માટે ભારપૂર્વક અપીલ કરી હતી.
આ તકે પોલીસ અધિક્ષક શ્રી જસાણીના હસ્તે શાળાના આંતરમાળખાકીય વિકાસમાં યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું પણ પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્ર્માંક લાવવા બદલ પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાળામાં એસએમસીની બેઠક મળી હતી જેમાં એસએમસીના સભ્યો સાથે શાળાની કામગીરી અંગે પોલીસ અધિક્ષકશ્રીએ ચર્ચા કરી હતી.
કાર્યક્રમના અંતે શાળાના પ્રાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બીઆરસી કોર્ડીનેટરશ્રી નીતીનભાઈ, સી.આર.સી. કોર્ડીનેટરશ્રી આકાશભાઇ, ગામના સરપંચ તારાબેન સોલંકી, દાતાઓ, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.




