ગોધરાની મોર્યો ગ્રામ પંચાયતમાં ડે. સરપંચની ચૂંટણી રદ કરી ફરી યોજવા નાયબ કલેક્ટરને રજૂઆત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા તાલુકાની મોર્યો ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી ફરીથી યોજવા માટે ચૂંટાયેલા પાંચ સભ્યોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું અને ચૂંટણી અધિકારી દ્વારા મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો પાંચેય સભ્યો રાજીનામું આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયુ છે કે, ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે બપોરના ૧:૦૦ વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. ચૂંટાયેલા સભ્યો સવારે ૧૦:૫૮ કલાકે ગ્રામ પંચાયત ખાતે પહોંચી ગયા હતા. તે સમયે ચૂંટણી અધિકારીએ દરવાજો બંધ કરી દીધો હતો અને કોઈપણ પ્રકારની મૌખિક સૂચના આપ્યા વિના કાર્યવાહી આગળ ધપાવી હતી.
આ પાંચ સભ્યોની રજૂઆત છે કે તેઓ બહુમતીમાં હોવા છતાં ચૂંટણી અધિકારીએ માત્ર ત્રણ સભ્યોની હાજરીમાં ડેપ્યુટી સરપંચની વરણી કરી દીધી હતી. આ અંગે ચૂંટાયેલા સભ્યોએ નાયબ કલેક્ટરને આ ડેપ્યુટી સરપંચની વરણી રદ કરીને ફરીથી ચૂંટણી યોજવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે જો તેમની આ માંગણી સ્વીકારવામાં નહીં આવે અને ફરીથી ચૂંટણી યોજવામાં નહીં આવે તો પાંચેય સભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટે મોર્યો ગ્રામ પંચાયતના સભ્યોએ નાયબ કલેક્ટરનું ધ્યાન દોર્યું છે.





