આણંદ છેલ્લા ૧૦ માસ દરમિયાન દબાણો દૂર કરીને ૨૫૫ જેટલા એકમો પાસેથી રૂપિયા ૨૦.૬૭ લાખનો દંડ વસૂલ કરાયો

આણંદ છેલ્લા ૧૦ માસ દરમિયાન દબાણો દૂર કરીને ૨૫૫ જેટલા એકમો પાસેથી રૂપિયા ૨૦.૬૭ લાખનો દંડ વસૂલ કરાયો
તાહિર મેમણ – આણંદ – 07/11/2025 – આણંદ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મનપાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લોકોને અડચણરૂપ થતા દબાણ,જાહેર રસ્તા ઉપરના દબાણ, લારી ગલ્લાના નાના મોટા દબાણ દૂર કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા છેલ્લા ૧૦ માસ દરમિયાન હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગ ઉપર મૂકવામાં આવેલ લારી ગલ્લાના દબાણ, લોકોને અડચણરૂપ થાય તેવા દબાણ, રેસ્ટોરન્ટ નું દબાણ, ટ્રાફિક થતો હોય તેવા દબાણ, કન્સ્ટ્રક્શન સાઇટના દબાણ, દુકાનદારોએ જાહેર રસ્તા ઉપર માલ સામાન મૂકીને કરેલ દબાણ, અનઅધિકૃત પાર્કિંગ જેવા ૨૫૫ જેટલા નાના મોટા એકમોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આવા દબાણો દૂર કરવાની સાથે આ એકમો પાસેથી વહીવટી ચાર્જ દંડ સ્વરૂપે રૂપિયા ૨૦.૬૭ લાખ વસૂલ કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ લોકોને અડચણરૂપ થતા હશે તેવા કોઈપણ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે અને આવા લોકોની પાસેથી દંડની રકમ વસૂલ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
વધુમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને લારીગલાવાળાઓ, ફેરિયાઓ, દુકાનદારો, કન્સ્ટ્રકશન સાઈટનું કામ ચાલતા હોય તેવી જગ્યાઓ અને રેસ્ટોરન્ટ વાળાઓ લોકોને અડચણરૂપ થાય તેવા કોઈપણ પ્રકારના દબાણો ન કરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે અન્યથા લોકોને અડચણરૂપ થતું હશે તેવા જાહેર દબાણ હટાવવાની સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.





