આણંદ – નકલી પોલીસ કોન્ટેબલને અસલી પોલીસે ઝડપી પાડ્યો

આણંદ – નકલી પોલીસ કોન્ટેબલને અસલી પોલીસે ઝડપી પાડ્યો
તાહિર મેમણ – આણંદ – 06/11/2025 – આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશિપ તરફના રોડ પર (GJ-23-CJ-8843) નંબરની કાળા કાચ અને કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખસ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પોલીસ આઇડી અને પોલીસ લખેલી પ્લેટ પણ છે. મૂંછને આંકડાવાળી, બ્લેકફિલ્મવાળી બ્લેક કલરની બ્રેજા કાર લઇને આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ જવાન હોવાનું જણાવીને રોફ જમાવતા નકલી પોલીસ કોન્ટેબલને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી પોલીસ બનીને ફરતા યુવકનો રોફ એટલો બધો હતો કે અસલી પોલીસ પહોંચી તોય પોતે પોલીસમાં હોવાનું જણાવીને રોફ જમાવ્યો હતો અને આટલાથી ઓછું હોય એમ એની પાસે રહેલું આઇકાર્ડ પણ બતાવ્યું હતું, જોકે અસલી પોલીસે યુવકને ક્યાં ફરજ બજાવે છે એવું પૂછતાં આખો ભાંડો ફૂટી ગયો હતો.
બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને એમાં એક વ્યક્તિ બેઠેલી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રઘુકુળ સોસાયટી, મોગર, તા.આણંદ) જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઇડી કાર્ડ બતાવ્યું હતું.





