આણંદ નગરપાલિકાને 75 લાખનું ઇનામ મળ્યું:સ્વચ્છતા સર્વેક્ષણમાં અ-વર્ગમાં બીજો નંબર મેળવ્યો
આણંદ નગરપાલિકાને 75 લાખનું ઇનામ મળ્યું:સ્વચ્છતા સર્વેક્ષણમાં અ-વર્ગમાં બીજો નંબર મેળવ્યો
તાહિર મેમણ – આણંદ -26/09/2025 – રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં આણંદ નગરપાલિકાને ‘નિર્મળ ગુજરાત પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવી છે. અ-વર્ગની નગરપાલિકાઓમાં આણંદે બીજો ક્રમાંક મેળવી 75 લાખ રૂપિયાનું ઇનામ જીત્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આણંદ નગરપાલિકાની ટીમને 75 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સ્વચ્છતા ક્ષેત્રે નગરપાલિકાની શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.
આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. ગરવાલે જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની છે. મળેલા 75 લાખ રૂપિયાના ઇનામનો ઉપયોગ મહાનગરની સ્વચ્છતા વધારવા માટે સફાઈના સાધનોમાં વધારો કરવા માટે કરાશે.તેમણે ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં આણંદ મહાનગરપાલિકા રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવે તે દિશામાં સ્વચ્છતાલક્ષી અભિયાન વધુ સઘન બનાવવામાં આવશે.