પ્રતિનિધિ:ધનસુરા
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ઉમરેઠ, મહેમદાવાદ અને નડિયાદના ત્રણ શખ્સો સહિત ચાર શખ્સોએ ધનસુરાના સાંભેરી ગામના ખેડૂતને શુક્રવારે કારમાં લીફ્ટ આપી ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી. આ અંગે ધનસુરા પોલીસે ઉમરેઠના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
ધનસુરાના સાંભેરી ગામના ખેડૂત ગત શુક્રવારે ખલીકપુર ગામે દર્શનાર્થે જવા માટે કારમાં લીફ્ટ મેળવી હતી. કારમાં ચાલક સહિતના ચાર શખ્સોએ કારને સુંકાવાંટડા માર્ગે હંકારી ખેડૂતે હાથમાં પહેરેલા ચાંદીના બે કડા બળજબરીપૂર્વક ઉતારી લઈ ખેડૂતને ધક્કો મારી કારમાંથી બહાર ધકેલી દીધા હતા. આ બનાવ અંગેની જાણ થતાં ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
ધનસુરા પોલીસે ૩૫૫૦૦૦ ના મુદ્દામાલ સાથે ઉમરેઠ ગામમાં ઓડ બજાર વિસ્તારમાં રહેતો લૂંટારૂ અજયભાઈ કનુભાઈ તળપદા (ઉં.વ.૨૨, રહે. | ઉમરેઠ) ને ઝડપી પાડયો હતો. શખ્સ પાસેથી લૂંટમાં ઉપયોગમાં લીધેલી કાર અને મોબાઈલ મળી આવ્યા હતા. જ્યારે લૂંટમાં વોન્ટેડ ભલાભાઈ ફુલાભાઈ તળપદા (રહે. ઉંધરા, મહેમદાવાદ), અંકિત ઝાલા (રહે. ટેટરના આમલાની ચોકડી, નડિયાદ) અને ડેની નામના ત્રણ શખ્સો આ લૂંટમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.