ભાલેજ : તાડપુરા ચોકડી પાસે આડા સંબંધના વ્હેમમાં સાવકા સસરાની જમાઈ એ કરી હત્યા.
લીમડી ખાતે રહેતો સાવકો પિતા ભરત નાયક અવાર-નવાર પુત્રી કમ પ્રેમિકાને મળવા માટે તાડપુરા આવતો હતો : પુત્રએ બન્નેને કઢંગી હાલતમાં જોઈ લેતા પિતાને જાણ કરતા વાત હત્યા સુધી પહોંચી : મોઢા, નાક, જમણા હાથે-પગે ધારીયાના ઘા મારી દઈને કરાયેલી હત્યા : હત્યારાને રાઉન્ડ અપ કરીને કરાઈ રહેલી પુછપરછ.
પ્રતિનિધિ:ભાલેજ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની તાડપુરા ચોકડી પાસે આવેલા ખેતરમાં ગઈકાલે રાત્રીના સુમારે આડા સંબંધના વહેમમાં જમાઈએ સાવકા સસરાની ધારીયાના ચાર જેટલા ઘા ઝીંકીને હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ભાલેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારા જમાઈને રાઉન્ડ અપ કરીને પુછપરછ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે તાડપુરા ચોકડી પાસે આવેલા ખુલ્લા ખેતરમાં એક પુરૂષની લોહીથી લથબથ લાશ પડી હોવાની જાણ ભાલેજ પોલીસને થતાં જ પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા મરણ જનાર યુવાનના મોઢા, નાક,જમણા હાથે તેમજ પગના ભાગે તી-ણ હથિયારના ઘાના નિશાન મળી આવ્યા હતા. નજીકમાં જ તપાસ કરતા એક ધારીયું પણ મળી આવ્યું હતુ. જેથી ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું ફલિત થવા પામ્યું હતુ. પોલીસે તપાસ કરતા નજીકમાં જ છાપરું બનાવીને રહેતી શિલ્પાબેન કિશોરભાઈ દાંતણીયા મળી આવી હતી. તેણીએ મરણ જનાર ભરતભાઈ ગેલાભાઈ નાયક (ઉ. વ. ૪૨, રે. લીમડી, સુરેન્દ્રનગર)ના હોવાનુ તેમજ પોતાનો સાવકો પિતા થતો હોવાનું જણાવ્યું હતુ.
પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ શિલ્પાબેનની પુછપરછ કરતા સમગ્ર હત્યાકાંડ પરથી પડદો ઉંચકાઈ જવા પામ્યો હતો. પોતાના સાવકા પિતાની પોતાની પતિ કિશોરભાઈ ધીરૂભાઈ દાંતણીયાએ જ ધારીયાના ઘા ઝીંકીને હત્યા કરી નાંખી હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ઘરીને કિશોરભાઈ દાંતણીયાને પણ ઝડપી પાડીને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ઘરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મરણ જનાર ભરતભાઈ નાયક ફરિયાદી શિલ્પાબેન (ઉ. વ. ૩૨)નો સાવકો પિતા થાય છે. તેણીની માતાએ ભરતભાઈ સાથે બીજા લગj કર્યા હતા. શિલ્પા અને કિશોર છેલ્લા બે-ત્રણ વર્ષથી તાડપુરા ચોકડી ખાતે રહેતા હતા અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. આ દરમ્યાન ભરત અવાર-નવાર તાડપુરા ચોકડી ખાતે આવતો હતો. જેને લઈને શિલ્પાના પતિ કિશોરને એવો વહેમ ભરાઈ ગયો હતો કે, સાવકા પિતા-પુત્રી વચ્ચે આડો સંબંધ છે. ગત ૧૦મી તારીખના રોજ ભરત લીમડીથી તાડપુરા આવ્યો હતો અને સાવકી પુત્રી કમ પ્રેમિકાના ઘરે રોકાયો હતો. દરમ્યાન ગઈકાલે બન્ને એકલા હતા ત્યારે દારૂ મંગાવીને પીધો હતો અને ત્યારબાદ રંગરેલીયા મનાવ્યા હતા. જે તેણીનો નવ વર્ષનો પુત્ર જોઈ ગયો હતો. જેથી રાત્રીના સુમારે મજુરી કામ કરીને ઘરે પરત આવેલા પિતાને આ વાતની જાણ કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ભરતભાઈ નાયક સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઘરમાં પડેલું ધારીયું ઉઠાવીને ભરતને મોઢાના ભાગે, નાક ઉપર તેમજ જમણા હાથે-પગે ઘા મારી દેતાં તેને સ્થળ પર જ મોત થયું હતુ.
પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવાયું : પીએસઆઈ
ભાલેજના પીએસઆઈ એ. આર. બાથમના જણાવ્યા અનુસાર મૃતક ભરતભાઈ નાયકને માથામાં, નાક ઉપર, જમણા-હાથે પગે ધારીયાના ઝટકા મારવામાં આવ્યા હતા. જેને લઈને મોતનું સાચુ કારણ જાણવા માટે મૃતદેહને કરમસદની હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં સાંજના સુમારે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતુ.જો કે હજી પીએમ રીપોર્ટ આવ્યો ના હોય, કયા ભાગ ઉપર ઈજા થવાને કારણે મોત થયું છે તે ઉજાગર થવા પામ્યુ નથી.