પ્રતિનિધિ:આણંદ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આણંદ એસઓજી પોલીસે બોરસદ શહેરના બ્રાપણવાડા વિસ્તારમાં દરોડો પાડી એક બોગસ તબીબને પકડી પાડ્યો છે. આરોપી દીપક ભીખાભાઈ પટેલ (રહે. ટાવર રોડ, લીમડી ચોક, બોરસદ) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો.
એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે બોરસદના મેડિકલ ઓફિસર ડૉ. જીગર સોલંકીને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યુ કે આરોપી પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર નથી.
પોલીસે આ ગેરકાયદેસર દવાખાનામાંથી દવાઓ અને મેડિકલને લગતી સાધન-સામગ્રી મળી કુલ રૂપિયા ૧૫,૫૧૬નો મુદામાલ જપ્ત કર્યો છે. મેડિકલ ઓફિસર ડૉ. જીગર સોલંકીની ફરિયાદના આધારે બોરસદ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦, ૩૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.