પ્રતિનિધિ: આણંદ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે વાસદ ટોલનાકાએથી એક શંકાસ્પદ વર્ના કારનો પીછો પકડીને મોગર કાઠીયાવાડી હોટલ પાસેથી ઝડપી પાડી તપાસ કરતા કારના ચોરખાનામાં છુપાવેલી વિદેસી દારૂની હાઈરેન્જની ૧૫૨ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૨.૫૭ લાખ ઉપરાંતની થવા જાય છે. પોલીસે કુલ ૪.૬૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રાયવરની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ટીમ વાસદ ટોલનાકા નજીક વોચમાં ઉભી હતી. દરમ્યાન એક વર્ના ગાડી નંબર જીજે-૦૧, આરજે-૫૦૫૦ની આવી પહોંચતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ ચાલકે કારને આણંદ તરફ ભગાવી મુકી હતી. જેથી પોલીસે પીછો કર્યો હતો અને મોગર ગામની રવિ કાઠીયાવાડી હોટલ પાસે આંતરીને ઝધડપી પાડી હતી. કારમાંથી મળી આવેલા ડ્રાયવરને નીચે ઉતારીને નામઠામ પુછતાં નવીન સતબીર સીંગ (રે. ગાંવ કુલાના,પંચાયત ઘર પાસે, તા. હાંસી, હરિયાણા)નો હોવાાનું જણાવ્યું હતુ. પોલીસે કારની તલાશી લેતાં ડ્રાયવર સીટની બાજુની સીટ તથા પાછળની સીટમાં બનાવેલા ચોર ખાના મળી આવ્યા હતા. આ ઉપરાંત ગાડીની બ્રેક લાઈટમાં, ગાડીના પાછળના બન્ને દરવાજાના પુંઠા નીચે બનાવેલા ખાનામાં પેપરમાં વીંટાળેલી ભારીય બનાવટની છુટી બોટલો મળી આવી હતી. જેને બહાર કાઢીને ગણતરી કરતા કુલ ૧૫૨ બોટલો થવા પામી હતી. જેની કિંમત ૨,૫૭,૨૭૧ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે કાર, મોબાઈલ સહિત કુલ ૪,૬૮,૨૭૧ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.