ANANDUMRETH

સેવાલિયા-ઠાસરા હાઈ-વેથી દારૂ ભરેલું આઈસર પકડાયું:હરિયાણાથી આવતા ૪૨.૯૯ લાખના દારૂ ઉપર LCB ત્રાટકી

સેવાલિયા હાઈવે પર ૪૨.૯૯ લાખના દારૂ ઉપર LCB ત્રાટકી, ભૂસાની આડમાં વિદેશી દારૂની પેટી સંતાડેલી હતી.

  1. તસ્વીર: કુંજન પાટણવાડીયા

દિવાળી બાદ ફરીથી ખેડા જિલ્લામાં દારુની હેરાફેરી ધમધમવા પામી છે. જો કે ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રેડ કરી હરીયાણાથી હેમખેમ ગુજરાતમાં ઘુસાડેલ દારુ, બુટલેગરના હાથમાં પહોંચેલ તે પહેલાં જ એલસીબીએ દારુ ભરેલ આખી આઈશર ઝડપી પાડતા બુટલેગરના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જવા પામ્યો હતો. જો કે દારુ કોનો હતો તે હજુ સુધી સામે આવ્યું નથી. હાલ તો પોલીસે એક હરીયાણા અને સ્થાનિક ઠાસરાના ઈસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
હરીયાણા પાર્સિંગની એક વિદેશી દારુ ભરેલ આઈશર સેવાલિયાથી ઠાસરા તરફ આવનાર હોવાની બાતમી ખેડા નડિયાદ એલસીબી પોલીસને મળી હતી. જેથી તેમણે સેવાલિયા-ઠાસરા હાઈવે રોડ પર આવેલ શ્રીરામ પાર્ટી પ્લોટ સામે વોચ ગોઠવી હતી. બાતમીવાળી આઈશર આવતા જ તેને રોકી કેબિનની અંદર તપાસ કરતાં કાગળના ભુસા ભરેલ કોથળીઓ હતી અને તેની આડમાં વિદેશી દારુની બોટલો સંતાડેલ હતી.
જેથી પોલીસે આઈશરમાં સવાર બે ઈસમો સાજીદ ગોરા કચરુ મેવુ (રહે.ભીમસીકા, થાના ઉટાવડ, પલવલ, હરિયાણા) તથા શૈલેષ નટુભાઈ પરમાર (રહે.ઠાસરાની મુવાડી, તા.ઠાસરા, જિ.ખેડા)ને ઝડપી પાડયા હતા. બંનેની પુછતાછ કરતાં સાકીર મેવુ (રહે.હરીયાણા)એ હરીયાણા ગુડગાવથી વિદેશી દારુ આઈશરમાં ભરી આપ્યો હતો. જે ગુડગાંવથી કોટા થઈ રતલામ, એમ.પી. થી દાહોદ થઈ સેવાલિયાથી ઠાસરા લઈ જવાનો હતો. અને ઠાસરામાં એક ઈસમ આવશે અને તે કહે ત્યાં દારુ પહોંચાડવાનો છે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેની અટક કરી આઈશરમાં ભરેલ વિદેશી દારુની ૯૩૧૧ બોટલ (કિંમત રુ. ૪૨.૯૯ લાખ) કબજે લીધી હતી. આઈશર સહિત કુલ રુ.૪૯.૭૬ લાખનો મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલ બંને તથા દારુ પહોંચાડનાર અને આઈશરના માલિક વિરુદ્ધ ઠાસરા પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!