પ્રતિનિધિ:આણંદ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
રાજ્યમાં અવાર-નવાર નકલી પોલીસ, નકલી ડૉક્ટર અને નકલી અધિકારીઓ પકડાતા હોય છે. ત્યારે હવે વધુ એક નકલી DySP અંગે ઘટસ્ફોટ થયો છે. આણંદ જિલ્લાના સોજીત્રાની નિશા વ્હોરા નામની યુવતી પોતે Dysp હોવાનો અને અમદાવાદ સાયબર ક્રાઈમમાં કાર્યરત હોવાનો દાવો કર્યો છે. જે મુદ્દે રાજ્યના એક વિદ્યાર્થી નેતાએ આક્ષેપ લગાવ્યો છે કે નિશા વ્હોરાના તમામ દાવા ખોટા છે. તેમણે GPSCની પરીક્ષા પાસ નથી કરી કે નથી તે કોઈ અધિકારી. આ મુદ્દે હવે આણંદની સોજીત્રા પોલીસ સ્ટેશન ખાતે નિશા વ્હોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
નિશા વ્હોરા સામે પોતે Dysp ના હોદ્દા પર નહીં હોવા છતાં પોતાને ઉચ્ચ અધિકારી હોવાનો ડોળ કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે પોતાના સરકારી અધિકારી હોવાસ બાબતનો પ્રચાર કરવા તેમજ ઈરાદાપૂર્વક જાહેરમાં સન્માન કરાવવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે આણંદ LCB ની ટીમે તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સોશિયલ મીડિયામાં પુરાવા સાથે દાવો કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં નિશા વ્હોરા નામની કોઈ યુવતીએ GPSC પાસ કરી નથી, તેમણે પાંચ વર્ષના પરિણામોની પણ તપાસ કરી છે. આ સાથે આવી કોઈ યુવતીની છેલ્લા પાંચ વર્ષમાં Dysp તરીકે કોઈ નિમણૂક પણ નથી થઈ. આ મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી લઈને નિશા વ્હોરાના વતન એવા આણંદ જિલ્લાના સોજીત્રા શહેર સુધી તપાસ કરી છે.
મુખ્યમંત્રી અને ધારાસભ્ય સાથે ફોટા :નકલી DySP નિશા વ્હોરાએ સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પણ ફોટા પડાવ્યા હતા અને બહુમાન મેળવ્યું હોવાના ફોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેલંગાણા રાજ ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશ જેવા પ્રશસ્તિ પત્રો મેળવી અને સમાજના કાર્યક્રમોમાં ભરપૂર વાહવાહી પણ લૂંટી છે. મુસ્લિમ સમાજ સહિતના અનેક સામાજીક સંગઠનોમા વિવિધ કાર્યક્રમોમાં તેનું GPSC પાસ કરી Dysp બની હોવા અંગે સન્માન પણ થઈ ચૂક્યું છે.
વિવિધ માધ્યમોમાં સંઘર્ષની કહાની પ્રકાશિત થઈ : નીશા વ્હોરાની કથિત સફળતા અંગે વિવિધ સમાચાર માધ્યમોમાં ફોટા સાથે અહેવાલો પ્રકાશિત થયા હતા. જેમાં નિશાની સંઘર્ષની કહાની રજૂ કરાઈ હતી. સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ નિશા વ્હોરાને Dysp તરીકે ગાંધીનગર ખાતે નિમણૂંક થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત એક કિસ્સામાં નિશાના પિતાએ તેમની દીકરી Dysp તરીકે Cyber Crime Cell અમદાવાદ ખાતે ફરજ બજાવે છે તેવું પણ જણાવ્યું હતું.
નિશા વ્હોરા UPSCની તૈયારી કરતી હોવાનો દાવો : એક અહેવાલમાં નિશા વ્હોરા GPSC કલાસ 3 માં પાસ થવાના સમાચાર હતા. જેમાં નિશા પોતે IPS બની દેશ સેવા કરવા UPSCની તૈયારી કરતી હોવાનું જણાવાયું છે. દાવો કરાયો છે કે સોજીત્રાની નિશાબેન સલીમભાઈ વ્હોરાએ જામિયા હાઈસ્કુલમાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ લીધા બાદ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક કર્યું, જ્યાર બાદ GPSCની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. અને કોઈ પણ કલાસીસ કર્યા વિના તેણે આપબળે સફળતા મેળવી હતી. આ માટે કેટલાક અધિકારીઓએ તેને માર્ગદર્શન આપ્યું હતું તેવો દાવો પણ કરાઈ રહ્યો છે. અને GPSCની વર્ગ-3ની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી તેવો દાવો કરાયો હતો.