ANANDANAND CITY / TALUKO

આણંદમાં ક્ષત્રિય સેના અને કર્મ ફાઉન્ડેશન દ્વારા ‘વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૬’ અમૂલ ખાતે યોજાયો

આણંદમાં ક્ષત્રિય સેના અને કર્મ ફાઉન્ડેશન દ્વારા ‘વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૬’ અમૂલ ખાતે યોજાયો

 

તાહિર મેમણ – આણંદ – 27/07/2026 – આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓની મહેનત અને સફળતાને બિરદાવવા માટે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા અને કર્મ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભવ્ય “વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૬” અમૂલ ડેરીના સરદાર પટેલ એસેમ્બલી હોલ ખાતે ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી રિવાબા જાડેજા અને રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રી શ્રી સંજયસિંહ મહીડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી રિવાબા જાડેજાએ ‘વિદ્યા દદાતિ વિનયમ્’ શ્લોકથી પ્રવચનની શરૂઆત કરી શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્ય ઘડતરના સમન્વય પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સાચું શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન કે ઊંચી ડિગ્રી પૂરતું સીમિત નથી, પરંતુ તે દેશભક્તિની ભાવના જગાડે અને સાચા-ખોટાનો ભેદ પારખવાની મક્કમતા આપે તે જરૂરી છે.

વધુમાં મંત્રીશ્રીએ મેકોલેની શિક્ષણ પદ્ધતિ સામે ભારતીય ગુરુકુળ પરંપરા અને મૂલ્યોની મહત્તા સમજાવી ‘નવી શિક્ષણ નીતિ ૨૦૨૦’ તથા સરકારના ‘આઈ-હબ’ (i-Hub) જેવા સ્કોલરશીપ-સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સનો લાભ લેવા યુવાનોને આહ્વાન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, માર્કશીટના ટકા ક્યારેય ભવિષ્ય નક્કી નથી કરતા; યુવાનો ગોખણપટ્ટી છોડી કૌશલ્યવર્ધન (Skill-based learning) તરફ વળવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું સપનું સાકાર કરવામાં સહભાગીતા નોધાવવા પર તેમણે ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી સંજયસિંહ મહીડાએ ક્ષત્રિય સેનાને આ સુંદર ભગીરથ કાર્ય બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમારોહમાં સન્માનિત થયેલા ૫૩૧ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ, જેમાં ધોરણ ૧૦, ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ, તેમજ સ્નાતક, પીએચડી અને જીપીએસસી/યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરનાર યુવાનો દેશ અને ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ છે.

વધુમાં તેમણે ૨૧મી સદીના ટેકનોલોજી યુગમાં યુવા પેઢીને સ્માર્ટફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ પ્રગતિ માટે કરવા અને ઓનલાઇન ગેમિંગ, સાયબર ફ્રોડ તેમજ ડ્રગ્સ જેવા સામાજિક દૂષણોથી સજાગ રહેવા હાકલ કરી હતી. ખાસ કરીને દીકરીઓને શિક્ષણ અને સંસ્કારોથી સજ્જ થઈને આત્મનિર્ભર અને મજબૂત બનવા પ્રેરણા આપી હતી. ક્ષત્રિય સેના દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોના હોનહાર વિદ્યાર્થીઓને મદદ કરવાના સંકલ્પને બિરદાવ્યુ હતું અને જીવનમાં ગમે તેટલી સફળતા મળે તો પણ માતા-પિતા અને ગુરુના ત્યાગને ક્યારેય ન ભૂલવા વિદ્યાર્થીઓને શિખામણ આપી હતી.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને આ સમારોહમાં રજિસ્ટ્રેશન કરાવેલા તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ વેળાએ કાર્યક્રમમાં આણંદના મેયર શ્રી દિપીકાબેન પટેલ, અગ્રણી નેતા શ્રી સંજયભાઈ પટેલ તેમજ અગ્રણી શ્રી કાંતિભાઈ સોઢા પરમાર, ક્ષત્રિય સેનાના આગેવાનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!