
પ્રતિનિધિ: ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ શહેરના જાગનાથ ભાગોળ, રાવળ ચકલા ખાતે રહેતો એક યુવક યુવતીને લઈને ફરાર થઈ જતા તેની રીસ રાખીને યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ હુમલો કરીને યુવકના પરિવારના ત્રણને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ભાવનાબેન શૈલેષભાઈ રાવળે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમનો ૨૨ વર્ષીય પુત્ર આયુષ નર્સીગનો અભ્યાસ કરે છે અને તેને ઢાકળપોળ ખાતે રહેતી ડોલી શંકરભાઈ ભાટીયા નામની યુવતી સાથે મિત્રતા હોય આ બાબતે સપ્તાહ પહેલાં ડોલીના પિતા અને ઘરના સભ્યો સાથે બોલાચાલી થવા પામી હતી. દરમ્યાન ગત ૧૦મી તારીખના રોજ ડોલી અને આયુષ ભાગી ગયા હતા. જેની રીસ રાખીને ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ડોલીના પિતા શંકરભાઈ ભાટીયા, તુષાર રવિશંકર વાળંદ, સચીન નિલેષભાઈ ભાટીયા સહિત ચારેક જેટલા શખ્સો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને શંકરભાઈએ મારી પુત્રી ડોલી ક્યાં છે તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ભાવનાબેનને ગડદાપાટુનો માર મારતાં તેમના પતિ અને દેરાણી જાગૃત્તિબેન સંજયભાઈ રાવળ વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુનો માર માર્યો હતો.
દાઢીવાળા શખ્સે હાથમાં પહેરેલું કડુ ભાવનાબેનને માથામાં મારી દેતા લોહી નીકળ્યું હતુ. બુમાબુમ થતાં ચારેય ત્યાંથી કારમાં સવાર થઈને ભાગ્યા હતા. દરમ્યાન પોલીસ આવી પહોંચતા તેમને રોકીને તપાસ કરતા તુષાર રવિશંકર વાળંદ અને સચીન ભાટીયા દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી પોલીસે આ અંગે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.





