
પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે ભાલેજના નાના ઠાકોરવાડા ખાતે છાપો મારીને પાંચ શખ્સોને ગૌવંશની કતલ કરીને તેના માંસના ટુકડા કરતા પાંચ શક્સોને ઝડપી પાડીને કુલ ૨૬૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીના દેવેન્દ્રસિંહને માહિતી મળી હતી કે, ભાલેજ ગામના નાના ઠાકોરવાડા ખાતે રહેતા જાવેદમીંયા ઉર્ફે ખેખલી હબીબમીંયા ઠાકોરના ઘરની પાછળ ગૌવંશની કતલ કરીને તેના માંસના ટુકડા કરાઈ રહ્યા છે. જેથી પીઆઈ એચ. આર. બ્રહ્મભટ્ટની સુચના અને માર્ગદર્શન મુજબ દેવેન્દ્રસિંહ, અનિરૂદ્ધસિંહ, અફજલભાઈ વગેરે પોલીસ જવાનો ત્રાટક્યા હતા. જ્યાં પાંચ શખ્સો ગૌવંશની કતલ કરીને તેના માંસના ટુકડા કરતા નજરે પડ્યા હતા.
પોલીસે તેમને ઝડપી પાડીને નામઠામ પુછતાં જાવેદમીંયા ઉર્ફે ખેખલી, ફારૂકમીંયા ઉર્ફે લંગડો હબીબમીંયા ઠાકોર, મહંમદ મોહસીનમીંયા ઠાકોર, નવાઝશરીફ યાસીનભાઈ ઠાકોર, મનસુરમીંયા ઈલ્યાસમીંયા ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસને સ્થળ પરથી ત્રણ છરી, ત્રણ કોયતા, લોખંડની બે ખોરકી, ચાર મોબાઈલ ફોન, રોકડા ૩૯૧૦ સાથે કુલ ૨૬૩૬૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોની પુછપરછ કરતા કતલ કરાયેલું વાછરડું (ગૌવંશ)તારપુરાથી લાવ્યા હતા અને તેની કતલ કરીને માંસના ટુકડા કરી પાંચેય સરખા ભાગે લઈ જવાના હોવાની કબુલાત કરી હતી.




