પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતા ની સાથે જ તસ્કરો પણ સક્રિય થયા છે મધ્યરાત્રીથી વહેલી સવાર સુધી બંધ મકાનોને નિશાન બનાવીને ચોરીઓ કરવા માંડી છે. ગઈકાલે રાત્રીના સુમારે ઉમરેઠ શહેરના ફાટી પોળ પાસે આવેલા ત્રણ મકાનોના તાળા તોડયા બાદ ફરાર થતાં પોલીસ પેટ્રોલીંગના પોકળ દાવાનો પર્દાફાશ થવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ફાટીપોળ ખાતે આવેલા ડોક્ટર ગોસાઈના મકાનની સામે એક મકાન તેમજ તેની પાસે આવેલા બે મકાનોના તાળા તોડીને તસ્કરો ઘરોમાં ઘુસ્યા હતા અને એક મકાનમાંથી તાંબા-પીત્તળના વાસણો,જુના વાસણો, ઘરવખરીનો સામાન ચોરાયો હતો. જો કે મકાન માલિક બહાર રહેતા હોવાથી કોઈ કિંમતી વસ્તુ કે સોના-ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી થઈ છે કે કેમ તે જાણી શકાયુ નથી. બીજા બે મકાનોના માલિકો પણ આવ્યા બાદ જ તેમને ત્યાંથી કેટલી મત્તા ચોરાવા પામી છે તે ઉજાગર થનાર છે.
આજે સવારના સુમારે ત્રણ મકાનોના તાળા તોડીને થયેલી ચોરીની ઘટના નગરમાં પ્રસરી જતાં ભયની લાગણી પ્રસરી જવા પામી છે.પ્રજાના ચર્ચાનો વિષય બન્યો છે કે ઉમરેઠ પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યાના દાવાઓ કરાઈ રહ્યા છે.પરંતુ ગઈકાલે રાત્રીના સુમારે થયેલી આ ચોરીએ દાવા પોકળ હોવાનું સાબિત કરી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી ઉમરેઠ પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરી, સહિત ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે.