GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાનું પ્રાચીન તીર્થધામ વસઈ – પર્યુષણ પર્વમાં જૈન તીર્થોનું મહત્વનું સ્થળ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-૨૫ ઓગસ્ટ : હાલમાં જૈન સમાજનું પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. આ પર્વ આત્મશુદ્ધિ, ક્ષમા અને શાંતિનો સંદેશ આપતું હોય છે. આવા પાવન સમયમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલું વસઈ તીર્થ ખાસ મહત્વ ધરાવે છે. મંદિરમાં પ્રવેશતાંજ આંતરિક શાંતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિનો અનુભવ થાય છે. અહીં રહેવા માટે આશરે ૧૦૦ જેટલા આધુનિક રૂમો, સાત્વિક ભોજનની વ્યવસ્થા તથા વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, છતાંય દર્શનાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળે છે, જે ચિંતાનો વિષય છે.

 

વસઈ તીર્થનું ઐતિહાસિક મહત્વ અતિ પ્રાચીન છે. સાગરકાંઠે વસેલું ભદ્રેશ્વર ગામ પ્રાચીન સમયમાં ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું. આ તીર્થના સ્થાપત્યમાં દેલવાડા મંદિરોની યાદ આવે છે. પ્રારંભિક પાયો દેવચંદ્ર નામના દાતાર દ્વારા નાખવામાં આવ્યો હતો, જ્યારે ૧૨મી સદીમાં દાનવીર શેઠ જગડુશાએ મંદિરનું નવેસરથી બાંધકામ કરાવ્યું હતું. વિનાશક ૨૦૦૧ના ભૂકંપ બાદ ફરીથી મંદિરનું ગગનચુંબી શિખરોવાળું ભવ્ય પુનર્નિર્માણ થયું છે.મુખ્ય મંદિર ઉપરાંત પરસાળમાં બાવન દેરીઓ છે, જે તીર્થની દિવ્યતા વધારે છે. મંદિર પરિસરમાં પ્રવેશતાંજ પ્રભુજીના સંપૂર્ણ દર્શન થાય છે, જે યાત્રાળુઓને આધ્યાત્મિક તૃપ્તિ આપે છે.વસઈ તીર્થની બાજુમાં તાજેતરમાં જીર્ણોધાર પામેલ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં સાંજના આરતી પ્રસંગે રંગીન ફુવારા અને પ્રકાશથી અનોખું દૃશ્ય સર્જાય છે. દરિયાકિનારે આવેલું ચોખંડા મહાદેવ મંદિર આશરે ત્રણ કરોડના ખર્ચે વિકાસ કાર્ય પામી રહ્યું છે, જેમાં રહેવા માટે આધુનિક રૂમો તથા વિવિધ સુવિધાઓ ઉભી થઈ રહી છે.તે સિવાય પાંડવ કુંડ, શેઠ જગડુશાના મહેલના અવશેષ, દુદા ભગતની વાવ અને બારમી સદીની દુદાની મસ્જિદ જેવા ઐતિહાસિક સ્મારકો આજેય કચ્છની ધરોહર છે. આ તમામ પૌરાણિક સ્થળોની જાળવણી માટે પુરાતત્વ વિભાગે રસ લઈને કડક પગલા ભરે તે અત્યંત જરૂરી છે. સાથે જ કચ્છ-ગુજરાતના જૈન સમાજે પણ આગ્રહપૂર્વક પ્રયાસ કરવા જરૂરી છે. દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ, જે જાતે જૈન સમાજ સાથે જોડાયેલા છે, તેઓએ પણ આ ધાર્મિક વારસાની સંભાળમાં રસ લે તેવી અપેક્ષા છે.આ તીર્થનું મહત્વ તાજેતરમાં ગુજરાત સરકારના ઓફિશિયલ પોર્ટલ પર પણ દર્શાવાયું છે, જ્યાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંદેશા સાથે વસઈ જૈન તીર્થનો ફોટો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વસઈ તીર્થની પ્રાચીનતા અને ધાર્મિક મહત્ત્વને સરકારસ્તરે માન્યતા મળતી હોવાનું સ્પષ્ટ થાય છે.તાજેતરમાં જ પૂજાબેન પ્રકાશચંદ્ર ઠક્કરએ પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, “મંદિરની અંદર પ્રવેશતાં જ એક અદભૂત શાંતિનો અનુભવ થાય છે. અહીંના ઐતિહાસિક મંદિરો અને પૌરાણિક સ્થળોને પ્રત્યક્ષ નિહાળવાથી એક અલૌકિક તૃપ્તિ મળે છે. જૈન સમાજ સાથે સાથે સમગ્ર કચ્છવાસીઓએ આ તીર્થોની મુલાકાત લઈ ધર્મ પ્રત્યે પોતાની આસ્થા મજબૂત કરવી જોઈએ.”આ પર્યુષણ પર્વે સ્થાનિક જૈન સમાજ સાથે અન્ય સમાજના ભાઈઓ-બહેનો પણ આવીને આ પૌરાણિક તીર્થને પ્રત્યક્ષ નિહાળે અને ધર્મપ્રત્યે પોતાની આસ્થા જાગૃત કરે, તે અત્યંત આવશ્યક છે. આ માત્ર વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિ માટે જ નહીં પરંતુ કચ્છની આ ધાર્મિક ધરોહર અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે પણ મહત્વપૂર્ણ છે.

Back to top button
error: Content is protected !!